જમ્મુ-કાશ્મીર માટે ગુલામ નબી આઝાદે 3 એજન્ડાની કરી ઘોષણા
- પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કોંગ્રેસના પૂર્વ નેતાએ જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થા વિશે પણ વાત કરી અને કહ્યું કે, તે પતનના આરે
શ્રીનગર, તા. 17 ઓક્ટોબર 2022, સોમવાર
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પ્રથમ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પંચે ભલે તારીખોનું એલાન ન કર્યું હોય પરંતુ રાજકીય પક્ષો આ લડાઈ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદ ધીમે ધીમે પોતાનો એજન્ડા જાહેર કરી રહ્યા છે. રવિવારે તેમણે તેમના ત્રણ એજન્ડાની ઘોષણા કરી હતી. જોકે, આમાં તેમણે કલમ 370નો ઉલ્લેખ ન કર્યો જેમ કે, પીડીપી અને એનસી જેવી પાર્ટી સતતકરતી રહે છે.
આઝાદે કહ્યું કે, અમારી પાસે ત્રણ મુખ્ય એજન્ડા છે. પ્રથમ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો, બીજો જમ્મુ અને કાશ્મીરના લોકો માટે જમીન ખરીદવાનો અધિકાર અનામત રાખવાનો અને ત્રીજો માત્ર સ્થાનિક યુવાનો માટે જ નોકરીઓ અનામત રાખવાનો.
આઝાદે કહ્યું કે, જમ્મુમાં રહેતા લોકો જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં વિલંબથી ચિંતિત છે. ભાજપ સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં વિલંબ ન કરવો જોઈએ. અમને વિધાનસભાની ચૂંટણી પહેલા તેની જરૂર છે જેથી અમારા પોતાના લોકો વહીવટ ચલાવી શકે.
તેમણે કહ્યું કે, તેમની પાર્ટી તમામ ક્ષેત્રો અને ઉપ ક્ષેત્રોમાં સમાજના દરેક વર્ગની આકાંક્ષાઓ અને આકાંક્ષાઓને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કેડર લોકો સુધી પહોંચે અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં મદદ કરે. અમે લોકોને સુશાસન આપવા માટે એક મજબૂત મોરચો બનાવવાનો પ્રયત્ન કરીશું.
પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા કોંગ્રેસના પૂર્વ નેતાએ જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થા વિશે પણ વાત કરી અને કહ્યું કે, તે પતનના આરે છે. તેમણે કહ્યું કે, ભલે તે પ્રવાસન, બાગાયત, પરિવહન કે વેપાર હોય એવું કોઈ ક્ષેત્ર નથી કે, જેને છેલ્લા બે વર્ષમાં નુકસાન ન થયું હોય. તેમણે એમ પણ કહ્યું કે, હજારો બેરોજગાર શિક્ષિત યુવાનો જમ્મુ-કાશ્મીરમાં નોકરીની તકોની રાહ જોઈ રહ્યા છે.