Get The App

ગુલામ નબીએ આતંકીઓને શસ્ત્રો છોડવા અપીલ કરી તો સામે મળી મોતની ધમકી

Updated: Sep 16th, 2022


Google NewsGoogle News
ગુલામ નબીએ આતંકીઓને શસ્ત્રો છોડવા અપીલ કરી તો સામે મળી મોતની ધમકી 1 - image


- જ.કા.માં આતંકવાદ માટે તેમણે પાકને જવાબદાર ગણ્યું

- આઝાદે વારંવાર તેમના સમર્થકોને કહ્યું છે કે, કલમ 370 ફરી અમલી કરાવવી તે સંભવિત જ નથી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. તેનું કારણ તે છે કે તેમણે આતંકવાદીઓને અપીલ કરી હતી કે તેઓ હથિયાર છોડી દે. તેમણે આ અપીલ કર્યા પછી તેમને આ ધમકી મળી છે.

એક આતંકવાદી સંગઠન તરફથી આઝાદને આ ધમકી મળી છે અને તેમને 'દેશદ્રોહી' કહેવામાં આવ્યાં છે. આતંકી સંગઠને તેમ કહ્યું હતું કે, આઝાદ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.

તેઓએ અનંતનાગમાં એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે બંદૂક સંસ્કૃતિએ પેઢીઓને નુકશાન કર્યું છે. હવે તેઓ કાશ્મીર ખીણમાં વધુ યુવાનોને મરતા જોવા માગતા નથી.

તેઓએ વધુમાં કહ્યું, જે લોકોએ બંદૂક ઉઠાવી છે, તેઓને હું કહેવા માગું છું કે બંદુક કોઈ સમાધાન નથી. બંદૂક માત્ર વિનાશ અને દુઃખ જ લાવે છે.

તે સર્વવિદિત છે કે ગયા મહીને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને પોતાનો પક્ષ રચતાં પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ઘણી બેઠકો યોજી હતી. તેઓ તેમના પક્ષની જાહેરાત આગામી સપ્તાહે કરશે, તેમ મનાય છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવતાં આઝાદે કહ્યું કે, હિંસાએ કાશ્મીર ખીણમાં હજારો મહિલાઓને વિધવા કરી છે, લાખો બાળકોને અનાથ બનાવ્યાં છે. પરાજિત દેશ (પાકિસ્તાન) જે પોતાનું ઘર જ વ્યવસ્થિત કરી શકતો નથી તે આપણાં રાજ્ય અને દેશને બર્બાદ કરવા માગે છે.

તેઓએ વધુ તે રેલીમાં જણાવ્યું હતું કે, હું ભાવનાત્મક અને ખોટાં વચનો આપી લોકો સાથે દગો કરવા માંગતો નથી.

તેમણે આ સાથે સ્પષ્ટ કર્યું હતું કે હું તેવા નેતાઓ જેવો નથી કે જેઓ ચૂંટણી જીતવા માટે ધાર્મિક ભાવનાઓનાં નારા લગાવે છે. હું ભાવનાત્મક અને ખોટા નારા દ્વારા લોકોને દગો આપવા માંગતો નથી. એક આતંકવાદી જૂથે મને મારી નાખવાની ધમકી આપી છે, પરંતુ હું શાંતિના માર્ગ ઉપર ચાલવાનું નહીં છોડું. ઉલ્લેખનીય છે કે, તેઓએ તેમના સમર્થકોને વારંવાર કહ્યું હતું કે ઓગસ્ટ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયેલા અનુચ્છેદ ૩૭૦ને પાછો અમલી કરવો સંભવિત નથી. કારણ કે તે માટે સંસદમાં ૨/૩ બહુમત જરૂરી છે. સર્વોચ્ચ ન્યાયાલય એક વિકલ્પ છે. પરંતુ છેલ્લાં ૩ વર્ષમાં તે વિષે એક વાર પણ સુનાવણી થઈ નથી, આ કૃષિ કાનૂન જેવી વાત નથી કે જે પાછા ખેંચાયા હતા.

આઝાદનાં આ કથનનો ઘણા ક્ષેત્રીય દળોએ વિરોધ પણ કર્યો છે.


Google NewsGoogle News