ગાઝિયાબાદ: મિલકત હડપવાના ઈરાદે મહિલાએ કર્યા 7 લગ્ન, આગામી પ્લાન હતો 200 કરોડનો, જાણો મહિલા ઠગના કારનામા

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ગાઝિયાબાદ: મિલકત હડપવાના ઈરાદે મહિલાએ કર્યા 7 લગ્ન, આગામી પ્લાન હતો 200 કરોડનો, જાણો મહિલા ઠગના કારનામા 1 - image

Image Source: Freepik

- પોલીસને આ ફરાર મેડના અત્યાર સુધી ત્રણ લગ્નના દસ્તાવેજો મળી ચૂક્યા છે

ગાઝિયાબાદ, તા. 04 ઓક્ટોબર 2023, બુધવાર

ગાઝિયાબાદ પોલીસે એક એવી ગેંગનો પર્દાફાશ કર્યો છે જેમાં છોકરીઓ કરોડપતિ ઘરોમાં મેડની નોકરી કરતી હતી અને પછી પ્રોપર્ટી હડપી લેવા માટે તે જ પરિવારના મંદબુદ્ધિ અથવા દિવ્યાંગ અથવા તો વધુ ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરી લેતી હતી. ગાઝિયાબાદના મુરાદાનગરમાં એક મહિલાની લગભગ 200 કરોડની પ્રોપર્ટી હડપી લેવા માટે ગેંગે એક પ્લાન બનાવ્યો અને ગેંગની એક મહિલા કરોડપતિ ઘરોમાં મેડ બનીને કામ કરવા લાગી.

પ્લાન પ્રમાણે તેણે માલકિનના મંદબુદ્ધિ પુત્ર સાથે લગ્ન કરી લીધા. જ્યારે કેન્સરના કારણે કોલેજની માલકિનનું મોત થઈ ગયું ત્યારે તે પૂરી પ્રોપર્ટી કબજો જમાવવા લાગી. પરંતુ મૃત્યુ પહેલા પ્રોપર્ટીની માલકિન પોતાની પ્રોપર્ટીની વસિયત પોતાની પરિણીત પુત્રીના નામે કરી ચૂકી હતી. હાલમાં પુત્રીની ફરિયાદ પર પોલીસે આ ગેંગના એક મેમ્બરની ધરપકડ કરી લીધી છે જે વચેટિયો બનીને મહિલાઓને એવા ઘરની અંદર દાખલ કરતો હતો.

7 ઓગષ્ટના રોજ મહિલાનું મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુરાદનગરમાં યુનિક ગ્રુપની કોલેજ આવેલી છે. જેના પૂર્વ વાઈસ ચાન્સેલર સુધા સિંહ હતા. સુધા સિંહનું 7 ઓગસ્ટ 2023ના રોજ હોસ્પિટલમાં કેન્સરને કારણે નિધન થઈ ગયુ હતું. સુધા સિંહને શિવમ સિંહ નામનો એક પુત્ર છે જે 50% થી વધુ મંદબુદ્ધિ છે. સુધા સિંહની દીકરી આકાંક્ષા પરિણીત છે. ફેબ્રુઆરી 2023માં પ્રીતિ નામની યુવતીને સુધા સિંહના ઘરે મેડ તરીકે કામ પર રાખવામાં આવી હતી. મેડ તરીકે ઘરમાં પ્રવેશેલી શાતિર પ્રીતિએ ધીમે ધીમે સમગ્ર પરિવારમાં પોતાનો વિશ્વાસ સ્થાપિત કરી લીધો હતો.

જે સમયે પ્રીતિને મેડ તરીકે ઘરમાં રાખવામાં આવી હતી તે સમયે કોલેજના ચાન્સેલર સુધા સિંહ કેન્સરના છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયા હતા. પ્રીતિએ બીમાર સુધા સિંહને કહ્યું કે તે તેના માનસિક વિકલાંગ પુત્રના લગ્ન બાદ સંપૂર્ણ સંભાળ રાખશે. દરમિયાન પ્રીતિએ દેખાડા પૂરતા મંદબુદ્ધિ શિવમ સાથે લગ્ન કરી લીધા. જ્યારે સુધા સિંહની તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ શાતિર મહિલાએ એક તસવીર ક્લિક કરી હતી જેમાં પ્રીતિ-શિવમ તેમના ગળામાં માળા પહેરીને સુધા સિંહના આશીર્વાદ લઈ રહ્યાં છે. કારણ કે તે સમયે કોલેજના ચાન્સેલર કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતા તેથી તેઓ પ્રીતિનો વિરોધ પણ ન કરી શક્યા અને તેના મંદબુદ્ધિ પુત્રને પણ કોઈ રીતે સમજાવી ન શક્યા.

સુધાના મોત બાદ સંપત્તિ પર પ્રીતિનો કબજો

ધરપકડ બાદ પોલીસે ધરપકડ કરાયેલ આરોપી સચિનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તેની ગેંગ સુધા સિંહના મોતની રાહ જોઈ રહી હતી અને સુધા સિંહનું કેન્સરથી મોત થઈ ગયા બાદ તરત જ ગેંગના વધુ બે એ ઘરમાં પ્રવેશ કરી લીધો. જેમાંથી એક ગાઝિયાબાદના નૂરપુર ગામ અને બીજી સાઉથ વેસટ દિલ્હીની રહેવાસી છે. જેનું નામ પ્રવેશ અને નીલમ છે. આમ પ્રીતિએ આખા ઘર પર કબજો જમાવી લીધો. ત્યાર બાદ સુધા સિંહની પુત્રીએ આ સમગ્ર મામલાની ફરિયાદ પોલીસને કરી દીધી. પ્રીતિને પોલીસ ફરિયાદની જાણ થતાં જ તે બંને મહિલા સભ્યો સાથે ફરાર થઈ ગઈ. 

મિલકત હડપવાના ઈરાદ 7 લગ્ન કર્યા

મૃતક સુધા સિંહની બે કોલેજ અને કોમ્પ્લેક્સ જે ગાઝિયાબાદમાં સ્થિત છે. આમાંની એક કોલેજ ગાઝિયાબાદમાં મસૂરી ગંગા કેનાલ પર 30 વીઘાથી વધુ જમીન પર બનેલી છે જ્યારે બીજી કોલેજ અને કોમ્પલેક્સ મોદીનગરના રાજ ચોપરા જેવા પ્રાઈમ લોકેશનની આસપા બનેલા છે. આ પ્રોપર્ટીની કિંમત લગભગ 200 કરોડ રૂપિયા છે. આરોપીઓનો આ સમગ્ર મિલકત પચાવી પાડવાનો ઈરાદો હતો. આ મામલે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ઘરમાં મેડ તરીકે આવેલીપ્રીતિના સાત વખત લગ્ન થઈ ચૂક્યા છે. જેમાંથી હરિયાણા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 6 લગ્ન અને ગાઝિયાબાદમાં એક લગ્ન કર્યા હતા. હાલ પોલીસને આ ફરાર મેડના અત્યાર સુધી ત્રણ લગ્નના દસ્તાવેજો મળી ચૂક્યા છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પ્રીતિએ જ્યાં પણ લગ્ન કર્યાં હતાં ત્યાં તેના સાસરિયાંઓ સામે દહેજ ઉત્પીડન અને રેપ વગેરે કલમો હેઠળ કેસ દાખલ કરાવવામાં આવેલા છે.


Google NewsGoogle News