Get The App

થઈ જાવ સાવધાન : હજી ઠંડી વધવાની છે, ત્રણ ડીગ્રી સુધી પારો ઉતરી જશે : ઉ.ભારતના અનેક રાજયો પર ધુમ્મસ છવાશે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
થઈ જાવ સાવધાન : હજી ઠંડી વધવાની છે, ત્રણ ડીગ્રી સુધી પારો ઉતરી જશે : ઉ.ભારતના અનેક રાજયો પર ધુમ્મસ છવાશે 1 - image


- આગામી ત્રણ-ચાર દિવસ સુધી કોઈ રાહત નથી

- આઈ.એમ.ડી. જણાવે છે કે સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ-વેવ છવાઈ રહ્યું છે : આગામી 2-3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાશે

પુના, નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. આથી અનેક લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તેવામાં આઈ.એમ.ડી.એ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ભારત તથા મધ્ય-ભારતમાં હજી પણ ઠંડી વધવા સંભવ છે અને વિશેષત: તો સબ-હિમાલયન રીજીયનમાં પારો ત્રણ ડીગ્રી સુધી નીચે ઉતરવાની સંભાવના છે. તેટલું જ નહીં પણ પંજાબથી બિહાર સુધી અને સબહિમાલયન પ.બંગાળ, આસામ તથા મધ્ય ભારત ઉત્તર ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આશંકા છે.

હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે અત્યારે જે ઠંડી ચાલુ છે તેમાં આગામી બે દિવસ સુધી કોલ્ડ-વેવ ગંભીર બનવાની પુરી શક્યતા છે. તે પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો જશે. હવામાન વિભાગ જણાવે છે કે બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશમાં આજે તો કોલ્ડવેવ ચાલુ જ છે. ૨૧-૨૨ તારીખે તીવ્ર બનવાની શક્યતા છે. તે દિવસોમાં તો લગભગ સમગ્ર ભારત ઉપર ઠંડીનું મોજું ફરી વળશે.

પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને મધ્ય પ્રદેશમાં ન્યૂનતમ ઉષ્ણતામાન છ થી દસ ડીગ્રી વચ્ચે છે. ત્યારે આજે પૂર્વ મધ્ય પ્રદેશના નોવ-ગોંગમાં પારો ૩.૧ ડીગ્રી સુધી ઉતરી ગયો હતો. હિમાલય પ્રદેશ, પૂર્વ ઉત્તર-પ્રદેશ તથા ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશમાં આજે શીતલહેર વ્યાપી રહી છે.

જેટ-સ્ટ્રીમ-વિન્ડઝનાં કારણે સમગ્ર ઉ.ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જેટ સ્ટ્રીમને લીધે કોલ્ડ-ડે-કંડીશનમાં વધુ વધારો થયો છે. આગામી ત્રણ-ચાર દિવસ સુધી ''જેટ-સ્ટ્રીમ-વિન્ડઝ'' ચાલુ રહેવાની સંભાવના છે. જ્યારે સિક્કીમ, અરૂણાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી હળવો વરસાદ પણ થવાની પુરી સંભાવના આઈ.એન.ડી. દર્શાવે છે.

જમ્મુ-કાશ્મીર અને હિમાલય પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે, તેટલું જ નહીં પરંતુ આગામી દિવસોમાં ત્યાં હિમ-વર્ષા થવાની પણ શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં આજ (તા. ૨૦ મી) રાતથી તા. ૨૨ સુધી ગાઢ-ધુમ્મસ છવાયેલું રહેશે. તે ઉપરાંત ઉ.પ્ર. અને બિહારમાં પણ ૨૧મીના દિવસે ગાઢ ધુમ્મસ રહેશે. આગામી ૪ દિવસ સુધી ન તો ઠંડીમાં કે ન તો ધુમ્મસમાં ઘટાડો થવાની શક્યતા વિચારશો પણ નહી તેમ મોસમ વિભાગ જણાવે છે. તેમાં પણ ૨૧-૨૨ એ તો ભારે ઠંડી પડવાની પુરી સંભાવના છે. તેમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતનો આવી જ જશે પરંતુ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખાસ કરીને મહારાષ્ટ્રના પર્વતીય પ્રદેશોમાં ઠંડી હાહાકાર વરસાવી શકે તેમ છે.


Google NewsGoogle News