ભારતીય યુવાનો માટે જર્મનીમાં નોકરીની તક: બે મહત્ત્વપૂર્ણ કરાર માટે ભારત આવી રહ્યા છે ચાન્સેલર
German Chancellor Visit to India : જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની કડી છે. આ મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે ઔપચારિક રીતે પરસ્પર સહકાર વધારાશે અને 24 વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા નવા માર્ગ ખોલશે તેવી અપેક્ષા છે. આ ઉપરાંત સ્કોલ્ઝ ભારતીય નૌકાદળ પાસેથી આશરે રૂ. 40,000 કરોડની સબમરીન ખરીદીના સોદા માટે ઓર્ડર લેવા અને ભારતીય લોકોને જર્મનીમાં વધુ નોકરીઓ આપવા જેવા બે મહત્ત્વપૂર્ણ કરાર કરવા માટે ભારત આવી રહ્યા છે.
વર્ષ 2000માં ભારતે જર્મની સાથે કરાર કર્યો હતો
જર્મનીએ 2000માં ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદારીનો કરાર કર્યો હતો, પરંતુ સંરક્ષણ સહયોગ, એશિયા પેસિફિકમાં ભારતની ભૂમિકા અને રોકાણની બાબતોમાં બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર છે. શુક્રવારે (25 ઓક્ટોબર) મોદી-સ્કોલ્ઝ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાથી સંબંધો વધુ ઝડપથી આગળ વધી શકે છે. સ્કોલ્ઝની સાથે એક મોટું બિઝનેસ ડેલિગેશન પણ ભારત આવી રહ્યું છે. તેમને આશા છે કે દિલ્હી જર્મન કંપનીઓ માટે ભારતમાં રોકાણ વિસ્તરણ વધુ સરળ બનાવશે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં સેનાના વાહન પર આડેધડ ગોળીબાર, પાંચ જવાન ઘાયલ, પોર્ટરનું મોત
IT, આરોગ્ય, બાંધકામ ક્ષેત્રે ભારતીયો માટે તકો
જર્મનીમાં કુશળ કામદારોની અછત છે જ્યારે ભારતમાં કુશળ કામદારો બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. જર્મનીમાં IT, બાંધકામ અને આરોગ્ય ક્ષેત્રે લગભગ છ લાખ જેટલા કામદારોની જરૂર છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કોલ્ઝની ભારત મુલાકાત જર્મનીમાં કુશળ ભારતીય કામદારો માટે નવી તકો ખોલશે. સદ્ભાવનાના સંકેત તરીકે, જર્મનીએ પહેલાથી જ ડિજિટલ વિઝા, ઝડપી વિઝા જેવા પગલાં લીધા છે અને જર્મનીમાં રહેતા ભારતીયોને મદદનું વચન આપ્યું છે.
સબમરીન ખરીદી કરાર પર વિવાદ
ભારતીય નૌકાદળ માટે છ પરંપરાગત સબમરીન માટે આશરે રૂ. 40,000 કરોડની ખરીદીનો કરાર પણ બંને દેશો વચ્ચે ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો હશે. આ ડીલ માટે જર્મન કંપની TKMS અને સ્પેનિશ કંપની નાવંતિયા વચ્ચે સ્પર્ધા છે. આ કંપનીઓ તેમના ભારતીય સહયોગીઓ સાથે મળીને ભારતમાં સબમરીનનું નિર્માણ કરશે. જર્મની છેલ્લા કેટલાક સમયથી આ ડીલ હાંસલ કરવા ઈચ્છે છે જ્યારે ભારત પણ સંરક્ષણ ઉત્પાદનમાં સહયોગ અને રોકાણને આગલા સ્તર પર લઈ જવા માંગે છે.
આ પણ વાંચોઃ ભારે ખેંચતાણ બાદ યુપીમાં અખિલેશ સામે કોંગ્રેસનું 'બલિદાન', વ્યૂહનીતિ કે પછી મજબૂરી?