'7 દિવસથી CM નક્કી નથી કરી શકતા અને શિસ્તની વાતો કરે છે..' ભાજપ પર અશોક ગેહલોતના પ્રહાર
ભાજપ પર ધ્રૂવીકરણ કરવા અને જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મૂક્યો
ગેહલોતે કહ્યું કે ભાજપ ફાઉલ રમીને ચૂંટણી જીત્યો છે, હવે પ્રજા સામે પોલ ખુલશે
Ashok Gehlot attack on BJP | રાજસ્થાનમાં હાલમાં કાર્યવાહક સીએમ અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા હતા. દરમિયાન મીડિયા સાથે એરપોર્ટ પર વાતચીતમાં તેમણે ભાજપ પર જોરદાર નિશાન તાકતાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં કામ અંગે ચર્ચા તો થઈ નહીં અને ભાજપવાળા બસ કન્હૈયાલાલ મર્ડર અંગે ચર્ચા કરતાં રહ્યા. તણાવનો માહોલ સર્જીને ધ્રૂવીકરણ કર્યું એટલા માટે ભાજપ જીતી ગયો.
ગોગામેડી હત્યાકાંડ અંગે શું બોલ્યાં ગેહલોત?
અશોક ગેહલોતે કહ્યું કે ભાજપની પોલ ખુલતી જઈ રહી છે. 7 દિવસ સુધી તમે મુખ્યમંત્રીનો ચહેરો નક્કી નથી કરી શકી રહ્યા અને વાતો તમે પાર્ટીમાં શિસ્ત હોવાની કરો છો. સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ પર ગેહલોતે કહ્યું કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે NIA દ્વારા તપાસ સામે કોઈ વાંધો ન હોવાના દસ્તાવેજો પર મારે હસ્તાક્ષર કરવા પડ્યા, જોકે આ કામ કોઈ નવા સીએમએ કરવાની જરૂર હતી પણ અઠવાડિયું વીતી જવા છતાં ભાજપ એક મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરી શક્યો નથી. હું ઈચ્છું છું કે તેઓ આ મામલે જલદી નિર્ણય કરે.
ગેહલોતનું મોટું નિવેદન
ગેહલોતે કહ્યું કે આ લોકો સાત દિવસ વીતી જવા છતાં સીએમનો ચહેરો નક્કી નથી કરી શક્યા અને અમારા પર આરોપ મૂકે છે કે અમારી પાર્ટીમાં જૂથવાદ છે અને પાર્ટીમાં શિસ્ત જેવી કોઈ વાત નથી. હવે તમે આના પર શું બોલશો? આ લોકો ફક્ત ભ્રમિત કરે છે. તેઓ ફાઉલ રમીને ચૂંટણી જીત્યા છે. રાજ્યોના મુદ્દા ન ઊઠાવ્યા અને ધાર્મિક મુદ્દાઓ બનાવ્યા જેમ કે ત્રણ તલાક લઈને આવ્યા, 370 લઈને આવ્યા, કન્હૈયાલાલ મર્ડરનો મામલો બનાવ્યો. જુઠ્ઠાણું ફેલાવ્યું કે મુસ્લિમોને 50 લાખ અને હિન્દુને 5 લાખ આપ્યા છે. આ લોકો જુઠ બોલીને ચૂંટણી જીત્યા છે. હવે પ્રજા સામે તેમની પોલ ખુલશે.