'તેરા જાદુ ચલા ગયા' : ગેહલોતે સોનિયાની માફી માગી, પ્રમુખપદની રેસમાંથી પણ બહાર
- ગેહલોતનું સીએમપદ પણ જોખમમાં, સોનિયા બે દિવસમાં નિર્ણય કરશે
- આંતરિક બાબતો અંગે નિવેદનો કરવા બદલ રાજસ્થાનના નેતાઓ સામે શિસ્તભંગના પગલાંની કોંગ્રેસની ચેતવણી
જયપુર : રાજસ્થાન કોંગ્રેસમાં બળવા મુદ્દે મુખ્યમંત્રી અશોક ગેહલોતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા પછી અશોક ગેહલોત નરમ થઈ ગયા છે. સોનિયા ગાંધી સાથે લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ગેહલોતે રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યોના બળવા અંગે માફી માગી હતી અને તેઓ પક્ષપ્રમુખપદની રેસમાંથી બહાર નીકળી ગયા હોવાની જાહેરાત કરી હતી. વધુમાં ગેહલોત માટે સીએમપદ પણ જોખમમાં મુકાઈ ગયું છે. સોનિયા ગાંધી બે દિવસમાં ગેહલોત અંગે નિર્ણય કરશે.
સોનિયા ગાંધી સાથેની બેઠક પછી અશોક ગેહલોતે કહ્યું કે કોંગ્રેસમાં મને છેલ્લા ૫૦ વર્ષથી સન્માન મળતું રહ્યું છે. હંમેશા મારા પર વિશ્વાસ કરીને જવાબદારી અપાઈ છે. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને આજ સુધી મારા પર વિશ્વાસ મૂકાયો છે. કોંગ્રેસ મહાસચિવથી લઈને ત્રીજી વખત મુખ્યમંત્રી બનવા સુધીનો પ્રવાસ હાઈકમાન્ડના આશીર્વાદથી જ રહ્યો છે. આ સિવાય તેમણે કહ્યું કે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં તેઓ કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી નહીં લડે. રવિવારે જે ઘટના ઘટી હતી, તેણે મને હચમચાવી નાંખ્યો છે. તેનાથી એવો સંદેશ ગયો કે જાણે હું મુખ્યમંત્રીપદે ચાલુ રહેવા માગું છું. આ અંગે મેં સોનિયા ગાંધીજીની માફી માગી છે. આખા દેશમાં મારા અંગે ખોટું વાતાવરણ ઊભું કરાયું છે.
અશોક ગેહલોતના નિવેદન પછી રાજસ્થાનમાં તેમના મુખ્યમંત્રીપદે રહેવા અંગે પણ શંકાના વાદળો ઘેરાયા છે. ૧૦ જનપથ બહાર મીડિયાએ તેમને સીએમપદ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેનો નિર્ણય પણ સોનિયા ગાંધી જ કરશે. એવામાં માનવામાં આવે છે કે સોનિયા ગાંધી હજુ પણ ગેહલોતથી નારાજ છે. વધુમાં આંતરિક બાબતો પર નિવેદનો કરવા બદલ રાજસ્થાનમાં પક્ષના નેતાઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની ચેતવણી પણ અપાઈ છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીપદ અંગે સોનિયા ગાંધી બે દિવસમાં નિર્ણય લેશે. જોકે, રાજસ્થાનમાં ગેહલોત સમર્થક ધારાસભ્યો સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવાશે તો બધા જ રાજીનામું આપી દેવા મુદ્દે પણ અડગ હોવાનું મનાય છે. પક્ષપ્રમુખ અંગે સંકેત આપતા વેણુગોપાલે કહ્યું કે શુક્રવાર સાંજ સુધી રાહ જૂઓ, અંતિમ નામોની યાદી તમારી સામે હશે. પક્ષપ્રમુખપદની રેસમાં હવે બે જ નામ હશે તેવા તેમણે સંકેત આપ્યા હતા. અશોક ગેહલોત પછી સચિન પાયલટ પણ ગુરુવારે સોનિયા ગાંધીને મળ્યા હતા.
દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ શુક્રવારે પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. દિગ્વિજય પ્રમુખપદનું ફોર્મ ભરશે ત્યારે મધ્ય પ્રદેશ કોંગ્રેસના ૧૦થી વધુ ધારાસભ્યો દિગ્વિજયના સમર્થનમાં પ્રસ્તાવક તરીકે હાજર રહેશે. દિગ્વિજય સિંહ બુધવારે જ ભારત જોડો યાત્રાને અધવચ્ચે છૅોડીને દિલ્હી આવી ગયા હતા. બીજીબાજુ દિગ્વિજય સિંહ ગુરુવારે શશી થરૂરને મળ્યા હતા. બંનેએ પ્રમુખપદની ચૂંટણી પ્રતિસ્પર્ધી તરીકે નહીં, પરંતુ મૈત્રીપૂર્ણ સ્પર્ધા તરીકે લડવા અંગે મત વ્યક્ત કર્યો હતો.
દિગ્વિજય સાથેની મુલાકાત પછી થરૂરે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, આજે બપોરે દિગ્વિજય સિંહ સાથે મુલાકાત કરી. અમારા પક્ષના પ્રમુખપદની ચૂંટણી માટે તેમની ઉમેદવારીને મેં આવકારી છે.
થરૂરે પહેલાં જ પ્રમુખપદની ચૂંટણ લડવાની જાહેરાત કરી હતી. થરૂર પણ શુક્રવારે કોંગ્રેસ પ્રમુખપદ માટે ચૂંટણી લડશે.