મોદી સરકાર 3.0 નો કપરો સમય, GDP ઘટીને 15 મહિનાની નીચલી સપાટી 6.7% ને સ્પર્શ્યો

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
મોદી સરકાર 3.0 નો કપરો સમય, GDP ઘટીને 15 મહિનાની નીચલી સપાટી 6.7% ને સ્પર્શ્યો 1 - image


- 2024-25ના પ્રથમ કવાર્ટરમાં કૃષિ અને સર્વિસ સેક્ટરનો નબળો દેખાવ

- નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ કવાર્ટરમાં જીડીપી 8.2 ટકા અને છેલ્લા કવાર્ટરમાં 7.8 ટકા રહ્યો હતો

- જો કે 2024-25ના પ્રથમ કવાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન ચીનનો જીડીપી 4.7 ટકા રહેતા હજુ પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે

- જુલાઇમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન ઘટવાને કારણે આઠ કોર સેકટરનો વૃદ્ધિ દર ઘટીને 6.1 ટકા રહ્યો 

Modi Government GDP news | નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ કવાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન કૃષિ અને સર્વિસ સેક્ટરના નબળા દેખાવને પગલે જીડીપી વિકાસ દર ઘટીને ૬.૭ ટકા રહ્યો છે જે છેલ્લા ૧૫ મહિનાની નીચલી સપાટી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ કવાર્ટર એપ્રિલ-જૂનમાં ભારતનો જીડીપી ૮.૨ ટકા રહ્યો હતો. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ કવાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન ચીનનો જીડીપી ૪.૭ ટકા રહેતા હજુ પણ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે.

૨૦૨૪-૨૫ના પ્રથમ કવાર્ટરમાં નોંધાયેલ ૬.૭ ટકા જીડીપી કરતા ઓછો જીડીપી   નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા કવાર્ટર જાન્યુઆરી-માર્ચમાં ૬.૨ ટકા નોંધવામાં આવ્યો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ કવાર્ટર એપ્રિલથી જૂન દરમિયાન કૃષિ સેક્ટરમાં ફક્ત બે ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના એપ્રિલ-જૂન કવાર્ટરમાં નોંધાયેલ ૩.૭ ટકાની વૃદ્ધિથી ઓછી છે.

બીજી તરફ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલ-જૂનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વૃદ્ધિ દર વધીને સાત ટકા થઇ ગયો છે જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળા દરમિયાન પાંચ ટકા રહ્યો હતો. 

આ દરમિયાન આઠ કોર સેક્ટરના વૃદ્ધિ દરના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતાં. જુલાઇમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનું ઉત્પાદન ઘટવાને કારણે આઠ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરનો વૃદ્ધિ દર ઘટીને ૬.૧ ટકા રહ્યો છે. 

જૂનમાં આ વૃદ્ધિ દર ૫.૧ ટકા હતો. જ્યારે ૨૦૨૩ના જુલાઇમાં આ આઠ કોર સેક્ટરનો વિકાસ દર ૮.૫ ટકા હતો. આઠ કોર સેક્ટરમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી સેક્ટરનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)માં આઠ કોર સેક્ટરનો ફાળો ૪૦.૨૭ ટકા હોય છે. જુલાઇમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ૨.૯ ટકાનો ઘટાડો અને કુદરતી ગેસના ઉત્પાદનમાં ૧.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.


Google NewsGoogle News