ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝે છૂટાછેડા પેટે રૂ. 8,250 કરોડ માંગ્યા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝે છૂટાછેડા પેટે રૂ. 8,250 કરોડ માંગ્યા 1 - image


- ગૌતમ સિંઘાનિયાની સંપત્તિ 11,000 કરોડથી વધુ છે

- બંને વચ્ચેના છૂટાછેડા અને વળતરની આ રકમ મંજૂર થશે તો ભારતના સૌથી મોંઘા છૂટાછેડા બનશે

નવી દિલ્હી : ભારતીય અબજપતિ ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા  છૂટાછેડા ભારતના અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા બની શકે છે. ગૌતમ સિંઘાનિયાની સંપત્તિમાં તેની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ ૭૫ ટકા હિસ્સો માંગ્યો છે. ગૌતમ સિંઘાનિયાની ૧૧,૦૦૦ કરોડ રુપિયાની સંપત્તિમાં ૭૫ ટકા હિસ્સો ૮,૨૫૦ કરોડ રુપિયા થાય. આટલી રકમ છૂટાછેડા પેટે માંગી છે. 

હવે જો આ છૂટાછેડા મંજૂર થાય તો ભારતના સંભવત: સૌથી મોંઘા છૂટાછેડા હશે. ગૌતમ સિંઘાનિયાની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાએ જણાવ્યું છે કે આ હિસ્સો તેમનો, તેમની પુત્રી નિશા અને નિહારિકાનો હશે. છેલ્લા કેટલાક દિવસોથી ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચેના છૂટાછેડાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે. 

અહેવાલ મુજબ ગૌતમ સિંઘાનિયાએ તેની ૧૧,૦૦૦ કરોડથી વધુની સંપત્તિમાં ૭૫ ટકા હિસ્સો આપવા સંમતિ જાહેર કરી છે. તેમણે આ ફંડને ટ્રાન્સફર કરવા માટે ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કરી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં કુટુંબની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જો કે સૂત્રો મુજબ સિંઘાનિયા ઇચ્છતા હતા કે તેમના મૃત્યુ પછી તેના કુટુંબના સભ્યોને સંપત્તિની વસિયત કરવાની મંજૂરી આપવામાં આવે, પણ આ વાત તેમની પત્ની નવાઝને મંજૂર નથી. 

બંને વચ્ચે બધુ બરોબર ન હોવાની વાત ગૌતમ સિંઘાનિયાએ મુંબઈ નજીક થાણે સ્થિત રેમંડ એસ્ટેટમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યુ હતું, પરંતુ આ પાર્ટીમાં નવાઝ સિંઘાનિયાને એન્ટ્રી મળી ન હતી. ૫૮ વર્ષના ગૌતમ સિંઘાનિયાએ ૧૯૯૯માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે છૂટાછેડા અંગે ચાલતી ચર્ચા પર ગૌતમ સિંઘાનિયાએ ભાવુક પોસ્ટ કરી હતી. 

તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે અમારી આ વખતની દિવાળી પહેલા જેવી નથી. એક દંપતી તરીકે ૩૨ વર્ષ સાથે રહીને માબાપ તરીકે વિકસીને અમે હંમેશા મજબૂતાઈથી એકબીજા સાથે રહ્યા. અમારી પ્રતિબદ્ધતા અને વિશ્વાસના આ સફરમાં બે સુંદર પડાવ પણ આવ્યા. તેમણે પોતાની પુત્રી નિહારિકા અને નિશાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે ભલે અલગ થઈ ગયા, પરંતુ બંને પુત્રીઓની દેખભાળ બંને કરતા રહીશું. 


Google NewsGoogle News