શું ગૌતમ અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે? જાણો દોષિત સાબિત થાય તો કેટલી સજા થશે
Gautam Adani can be Arrested in America: અમેરિકામાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પર 250 મિલિયન ડૉલરની લાંચ આપવાનો અને મામલો છુપાવવાનો આરોપ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી પર ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર ગૌતમ અદાણી અને તેના ભત્રીજા સાગર અદાણી માટે અમેરિકામાં ધરપકડ વોરંટ જારી કર્યું છે.
યુએસમાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ક્રિમિનલ ડિવિઝનના ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ લિસા એચ. મિલરે અદાણી અને તેના સહયોગીઓ પર ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવા અને ભ્રષ્ટાચાર અને છેતરપિંડી દ્વારા સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવાનો આરોપ મૂક્યો છે.
શું અદાણીની અમેરિકામાં ધરપકડ થઈ શકે છે?
હાલમાં ગૌતમ અદાણી ભારતમાં છે. યુએસ તપાસ એજન્સી તેના પ્રત્યાર્પણ માટે વિનંતી કરી શકે છે. જો કે, ભારતીય અદાલતો નક્કી કરશે કે આ આરોપ ભારતીય કાયદા હેઠળ લાગુ પડે છે કે કેમ. જો કે અદાણી પ્રત્યાર્પણનો વિરોધ કરી શકે છે જેથી આ પ્રક્રિયામાં વિલંબ થાય.
ગૌતમ અદાણી દોષિત સાબિત થશે તો કેટલી સજા થશે?
જો અદાણી દોષી સાબિત થાય છે, તો તેને લાંચ લેવા બદલ પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ સિવાય છેતરપિંડી અને ષડયંત્રના આરોપમાં 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ સિવાય તેમને ભારે દંડ પણ થઈ શકે છે. કોઈપણ સજા નક્કી કરવી આખરે કેસ સંભાળતા જજ પર નિર્ભર રહેશે. અદાણીની કાનૂની ટીમ કોઈપણ દોષારોપણ સામે અપીલ કરી શકે છે, જે કાનૂની લડાઈને લંબાવી શકે છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો રજૂ
આ આરોપ પર અદાણી ગ્રૂપનો જવાબ
અદાણી ગ્રૂપની પેટા કંપની અદાણી ગ્રીન પર રૂ. 265 મિલિયન ડૉલરની લાંચ અને છેતરપિંડીના આરોપ અદાણી ગ્રૂપે ફગાવી દીધા છે. અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ અને SEC દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટર્સ વિરુદ્ધ મૂકાયેલા તમામ આરોપો પાયાવિહોણા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે લખ્યું છે કે, તમામ આરોપો શંકાસ્પદ છે. આરોપીને ત્યાં સુધી નિર્દોષ માનવામાં આવે છે, જ્યાં સુધી તે દોષિત સાબિત ન થાય. હવે અમે કાયદાકીય ઉકેલોના વિકલ્પના માર્ગે આગળ વધીશું. અદાણી ગ્રૂપે હંમેશા તમામ કાયદા અને નીતિનિયમોનું પાલન કર્યું છે.’
અદાણી ગ્રૂપે ખાતરી આપતાં કહ્યું છે કે, ‘અમે તમામ બિઝનેસ કામગીરીમાં પારદર્શકતા રાખી છે, નિયામકની જોગવાઈઓના પાલન પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છીએ. અમે અમારા તમામ સ્ટેકહોલ્ડર્સ, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે, અમે કાયદાનું પાલન કરતું ઑર્ગેનાઇઝેશન છીએ. અમે તમામ કાયદાને અનુસરીને જ કામગીરી કરીએ છીએ.’