અદાણી સાથે અમારો કોઈ સીધો સંબંધ નથી: લાંચ લેવાના આરોપો બાદ YSRCPનો જવાબ
YSRCP On Adani 2200 Crores Scam: અમેરિકાની કોર્ટમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર ભારતના અધિકારીઓને લાંચ આપવાના આરોપો મૂકાયા છે. જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીર રાજ્યોના નામ સંકળાયેલા છે. આ મામલે આંધ્રપ્રદેશની સરકારના ઉચ્ચ પદ પર કાર્યરત અધિકારીને લાંચ આપવાના આરોપને તે સમયની જગન મોહન રેડ્ડીની YSRCP સરકારે ખોટા ઠેરવ્યા છે. તેમજ તેમાં પોતાના પક્ષની કોઈ સંડોવણી ન હોવાની સ્પષ્ટતા કરી છે. અદાણી સાથે અમારે કોઈ સીધો સંબંધ નથી.
બ્રુકલિનની કોર્ટમાં દાખલ કેસ અનુસાર, ગૌતમ અદાણીએ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી 7 ગીગાવોટ સોલર પાવર ખરીદવા માટે સ્ટેટ ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓને રૂ. 1750 કરોડની લાંચ આપી હોવાનો આરોપ છે. જેમાં તે સમયની આંધ્રપ્રદેશની સરકારના અધિકારીને લાંચ આપી હોવાનો દાવો થયો છે.
YSRCP આપ્યો જવાબ
YSRCPએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આંધ્રપ્રદેશની વીજ વિત્તરણ કંપનીઓ કૃષિ ક્ષેત્રને દરવર્ષે 12500 મેગાયુનિટ વીજ પૂરી પાડે છે. જેના માટે સરકાર વીજ કંપનીઓને ખર્ચ અનુસાર વળતર ચૂકવે છે. પાછલી સરકારની નીતિઓના કારણે વધારાના ટેરિફ પર પાવર પર્ચેજ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. જેના લીધે રાજ્ય સરકાર પર સબસિડીનો બોજો વધ્યો હતો. આ સમસ્યા દૂર કરવા રાજ્યમાં સોલાર પાર્કમાં 10 હજાર મેગાવોટની સોલાર કેપેસિટી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
કાયદાને આધિન ટેન્ડર ભરાયા
આંધ્રપ્રદેશ ગ્રીન એનર્જી કોર્પોરેશન લિ.એ નવેમ્બર, 2020માં એક ટેન્ડર બહાર પાડ્યું હતું. આ ટેન્ડર 6400 મેગાવોટ વીજની કુલ સોલાર એનર્જી ક્ષમતાના વિકાસ માટે હતું. જેના માટે રૂ. 2.49થી રૂ. 2.58 પ્રતિ કિલોવોટના દરે 24 બીડ પ્રાપ્ત થયા હતા. જો કે, આ ટેન્ડરના માર્ગમાં કાયદાકીય અને રેગ્યુલેટરી પડકારો નડ્યા હતા. જેથી તે સફળ થઈ શક્યુ નહીં. બાદમાં રૂ. 2.49 પ્રતિ કિલોવોટના દરે 7000 મેગાવોટ વીજનો પુરવઠો પૂરો પાડવાનો પ્રસ્તાવ મળ્યો. તે તમામ દર કરતાં ઓછો હતો.
રાજ્યના હિત માટે હતો પ્રોજેક્ટ
YSRCP ના નિવેદન અનુસાર, 7000 મેગાવોટની વીજ ખરીદવા આંધ્રપ્રદેશ વિદ્યુત નિયામક આયોગે 11 નવેમ્બર, 2021માં મંજૂરી મેળવી હતી. APERC ની મંજૂરી મળ્યા બાદ SECI અને આંધ્રપ્રદેશની પાવર ડિસ્ટ્રિબ્યૂશન કંપનીઓ વચ્ચે 1 ડિસેમ્બર, 2021ના વીજ વેચાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં સેન્ટ્રલ એનર્જી રેગ્યુલેટરી કમિશને પણ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ રાજ્યના હિતમાં હતો. રાજ્ય દ્વારા આટલા સસ્તા દરે વીજ ખરીદવાથી દરવર્ષે રૂ. 3700 કરોડની બચત થશે. અને આ કરાર 25 વર્ષનો હોવાથી રાજ્યને અનેકગણો લાભ થશે.