અમેરિકામાં આરોપ બાદ અદાણીનો મોટો નિર્ણય, 600 મિલિયન ડૉલરનો બૉન્ડ ઇશ્યૂ રદ કરવાની જાહેરાત
Gautam Adani Cancels Bond Issue After Allegation: દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યોરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકાયા બાદ અદાણી ગ્રૂપે 600 મિલિયન ડૉલર (અંદાજે રૂ. 5066 કરોડ)નો બૉન્ડ રદ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મૂકાતાં અદાણી ગ્રૂપે બૉન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે.
અદાણી ગ્રીને આપ્યું નિવેદન
આ સમગ્ર મામલે અદાણી ગ્રીને નિવેદન જાહેર કર્યું છે કે, અમેરિકાના પ્રોસિક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરુદ્ધ ન્યૂયોર્કની એક યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ મળી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે. આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ અદાણી ગ્રીનનો પ્રસ્તાવિત બૉન્ડ ઇશ્યૂ રદ કરવાનો નિર્ણય લીધો છે.
અમેરિકાના પ્રોસિક્યુટરની ફરિયાદમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપના આઠ અધિકારીઓ જેમાં ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને એજ્યોર પાવર ગ્લોબલ લિ.ના કાર્યકારી સિરિલ કાબેનેસ વિરુદ્ધ આરોપો મૂકાયા છે. હિન્ડનબર્ગના આરોપોમાં ક્લિનચીટ મળ્યા બાદ અદાણી ગ્રૂપ પર લાંચનો આરોપ મૂકાતાં જ અદાણીના શેરોમાં 25% સુધીનો કડાકો નોંધાયો હતો.
અદાણી ગ્રૂપ પર અમેરિકાના રોકાણકારો સાથે 250 મિલિયન ડૉલરની છેતરપિંડીના બાદ અદાણી ગ્રૂપના અમેરિકન કરન્સીમાં પણ મોટો કડાકો નોંધાયો છે. અદાણી ગ્રૂપ રૂ. 600 મિલિયન બૉન્ડ લાવી રહ્યું હતું, તેની કિંમત પણ જાહેર કર્યા બાદ લાંચ અને છેતરપિંડીનો આરોપ મૂકાતાં તેને રદ કરવામાં આવ્યા હતા. અગાઉ હિન્ડનબર્ગે પણ અદાણી ગ્રૂપ પર છેતરપિંડી અને શેરમાં ગેરરીતિ કરી રહ્યા હોવાનો આરોપ મૂકતાં કંપનીને તેનો દેશનો સૌથી મોટો ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો.
સિંગાપોર સ્થિત એસજીએમસી કેપિટલ પ્રાઈવેટ લિમિટેડના ફંડ મેનેજર મોહિત મીરપુરીએ જણાવ્યું હતું કે, અદાણીએ હિન્ડનબર્ગ, વિપક્ષ દ્વારા મૂકવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ આ નવા આરોપથી ગેરરીતિની આશંકા વધી છે. જે ઉભરતા બજારો સંબંધિ જોખમો, પારદર્શકતા પર સવાલ ઊભો કરે છે.
આ પણ વાંચોઃ માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રૂપના શેર ધડામ, 20 ટકા સુધી નુકસાન
અદાણી જૂથ પર શું આરોપ છે?
અમેરિકન સરકારે અદાણી ગ્રૂપ અને ગૌતમ અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. અદાણી ગ્રૂપની કંપની ગ્રીન એનર્જી લિમિટેડને સોલર એનર્જી પ્રોજેક્ટ સાથે જોડાયેલો કોન્ટ્રાક્ટ અપાવવા માટે 265 મિલિયન ડૉલર (આશરે રૂ. 2236 કરોડ)ની લાંચની ઓફર કરી. આ વાત તેમણે અમેરિકની બેંકો અને રોકાણકારોથી પણ છુપાવી.
અમેરિકન પ્રોસિક્યુટરનો દાવો છે કે, અદાણી ગ્રૂપના વરિષ્ઠ અધિકારીઓએ આ પ્રોજેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવાની પણ તૈયારી બતાવી હતી. આ માટે અદાણી ગ્રૂપે 2021માં એક બોન્ડ રજૂ કર્યો અને અમેરિકા સહિત અન્ય વિદેશી રોકાણકારો, અમેરિકન બેંકો પાસેથી ફંડ ભેગું કર્યું. આમ, અદાણી ગ્રૂપે ભારતના સરકારી અધિકારીઓને લાંચ આપવા માટે એક મોટી યોજના તૈયાર કરી હતી. આ માટે ગૌતમ અદાણીએ અનેક અધિકારીઓ સાથે વ્યક્તિગત મુલાકાતો કરી હતી.