વક્ફ સંશોધન બિલના વિરોધમાં લાલુ-તેજસ્વી યાદવના ધરણાં, કહ્યું- નાગપુરના કાયદા નહીં ચાલે
Waqf Amendment Bill: પટનામાં વક્ફ સંશોધન બિલ વિરુદ્ધ મુસ્લિમ સંગઠનોનું પ્રદર્શન ચાલું છે. મુસ્લિમ સંગઠનના લોકો ગર્દનીબાગ ધરણાસ્થળ પર પ્રદર્શન કરી રહ્યા છે. હવે તેમને રાષ્ટ્રીય જનતા દળે પોતાનું સમર્થન આપ્યું છે. આ પ્રદર્શનમાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ પહોંચ્યા અને મુસ્લિમ સંગઠનના નેતાઓના ધરણાં પર જઈને બેસી ગયા.
કેટલાક લોકો દેશને તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે
બીજી તરફ તેજસ્વી યાદવે મુસ્લિમ સંગઠનના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, 'આપણા નેતા લાલુ પ્રસાદ યાદવ તમારી સાથે ઊભા રહેવા માટે ધરણાં સ્થળ પર આવ્યા છે. ભલે અમારી પાર્ટી સત્તામાં હોય કે ન હોય પરંતુ અમે આ બિલના વિરોધમાં રહીશું. વિપક્ષે વિધાનસભા અને વિધાન પરિષદમાં વક્ફ સંશોધન બિલનો વિરોધ કર્યો છે. અમે આ બિલને ગેરબંધારણીય અને અલોકતાંત્રિક માનીએ છીએ. કેટલાક લોકો દેશને તોડવાનું કાવતરું ઘડી રહ્યા છે, અને અમારી પાર્ટી આ કાયદાને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.'
તમે એક પગલું ભરશો તો આરજેડીના લોકો ચાર પગલાં આગળ વધશે
વિપક્ષના નેતા તેજસ્વી યાદવે એમ પણ કહ્યું કે, 'અમે આજે ગૃહમાં કાર્ય સ્થગિત પ્રસ્તાવ લાવીને આ બિલ પર ચર્ચાની માગ કરી હતી, પરંતુ ગૃહને સ્થગિત કરી દીધું. અમે કોઈ પણ સંજોગોમાં નાગપુરના કાયદાને લાગુ નહીં થવા દઈએ. આ બિલના વિરોધમાં રાષ્ટ્રીય જનતા દળ મુસ્લિમ સંગઠનોની સાથે મજબૂતીથી ઊભું છે અને જો તમે એક પગલું ભરશો તો આરજેડીના લોકો ચાર પગલાં આગળ વધશે.'