કચરો ઉપાડનારને લાખો ડોલર મળ્યા, પણ બનાવટી નીકળ્યા
- ડોલર વટાવવા જતા કોન્ટ્રાક્ટરનું અપહરણ થયું
- બનાવટી ડોલર ફેંકી જનારનું રહસ્ય અકબંધ, બેંગલુરુ પોલીસને બ્લેક ડોલર સ્કેમની આશંકા
બેંગલુરુ : બેંગલુરુમાં બનાવોના વિચિત્ર વળાંકમાં એક કચરો ઉપાડનારા સલમાન શેખને ૩૦ લાખના અમેરિકી ડોલરના બંડલ મળ્યા જેને તે પોતાનું નસીબ બદલી નાખનાર ખરો ખજાનો માની બેઠો. આવા અણધાર્યા લાભથી અભિભૂત થયેલા સલમાનના સ્વપ્ન ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે તેને જાણ થઈ કે આ નોટ તો બનાવટી હતી.
સલમાનના પ્રારંભિક આઘાત અને ત્યાર પછી તેના કોન્ટ્રાક્ટર બાપ્પાની સલાહ લેવાના નિર્ણયથી ઘટનાઓની એવી શૃંખલા શરૂ થઈ, જેના અણધાર્યા પરિણામ આવ્યા. બાપ્પાએ માર્ગદર્શન મેળવવા સામાજિક કાર્યકર કલિમુલ્લાહને સામેલ કર્યો જેણે બનાવટી ચલણ બાબતે પોલીસને સતર્ક કરી.
સલમાનની શોધના સમાચાર ફેલાતાં, એક ગુનેગાર ટોળકીએ કથિત સંપત્તિનો કબજો કરવાના પ્રયાસમાં બાપ્પાનું અપહરણ કર્યું. બાપ્પાની આંખે પાટા બાંધીને લઈ જવામાં આવ્યા. ચાર કલાકના ત્રાસ અને જુલમ પછી બાપ્પા અપહરણકારોને સમજાવવામાં સફળ રહ્યા કે બનાવટી પૈસા તેમણે પોલીસને આપી દીધા છે.
સલમાનને નોટોના બંડલની સાથે યુનાઈટેડ નેશન્સ સીલ લખેલી એક ચિઠ્ઠી પણ મળી હતી. એમાં લખ્યું હતું કે ઈકોનોમિક અને ફાયનાન્સ કમિટી દક્ષિણ સુદાનમાં યુનોની શાંતિ સેનાને સહાય કરવા સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા મંજૂર કરાયેલા વિશેષ ફંડ નિર્ધારીત કરે છે.
પોલીસની વધુ તપાસમાં જણાયું કે બનાવટી ડોલરો અને તેની સાથે યુનાઈટેડ નેશન્સ સીલ લખેલી ચિઠ્ઠી સંભવિત બ્લેક ડોલર કૌભાંડનો હિસ્સો હતા. પ્રશાસન હવે આ બનાવટી ચલણ બેંગલુરુમાં કેવી રીતે આવ્યું, કોણ લાવ્યું અને તેનો હેતુ શું હશે તેનું રહસ્ય ઉકેલવાની મથામણ કરી રહ્યું છે.
બ્લેક ડોલર સ્કેમમાં ઠગો વ્યક્તિને એવું માનવા પ્રેરે છે કે તેને મળેલી નોટ ચોરાયેલી હતી અને પોલીસ તેને પકડી ન શકે માટે તેના પર કાળો રંગ લગાડયો છે. તેઓ પોતાની પાસે કાળો રંગ દૂર કરવાનું કેમિકલ હોવાની ખાતરી કરાવીને પોતાના શિકારને છેતરે છે.