લૉરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈની ભારત સરકારથી બચવાની યુક્તિ, અમેરિકામાં માંગ્યો આશ્રય
Anmol Bishnoi Applies for Asylum in US: ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં ધરપકડ કરવામાં આવી છે. ગયા ગુરુવારે તેને ગેરકાયદેસર દસ્તાવેજો સાથે યુએસમાં પ્રવેશવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. હાલ તે આયોવામાં પોટ્ટાવાટ્ટમી કાઉન્ટી જેલમાં બંધ છે. ભારતે આપેલી જાણકારી બાદ અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગે અનમોલની ધરપકડ કરી હતી. હવે તેણે રાજકીય આશ્રય માટે અરજી કરી છે.
અનમોલ અનેક કેસમાં વોન્ટેડ
અનમોલ બિશ્નોઈ પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના મુંબઈના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં વોન્ટેડ છે. વર્ષ 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતુ. મુંબઈ પોલીસે અનમોલના પ્રત્યાર્પણ અંગે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમજ NIAએ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યુ છે.
આ પણ વાંચો: પત્ની પણ પતિ જેવું જીવન જીવવા હકદાર મહિને 1.75 લાખના ભરણપોષણનો આદેશ
અનમોલ વિરુદ્ધ ઇન્ટરપોલ નોટીસ
મુંબઈ પોલીસે હાલમાં જ કેન્દ્ર સરકારને અનમોલ બિશ્નોઈને ભારત લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી મહારાષ્ટ્રની એક કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું અને ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. અનમોલ નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો અને ધરપકડ પહેલા તે કેનેડામાં હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં આશ્રય માંગ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર અટકાયત પહેલાં, અનમોલ બિશ્નોઈએ યુએસ સિટિઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસ દ્વારા આશ્રય માટે અરજી કરી હતી. અનેક હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં કથિત સંડોવણીને કારણે ભારતે અનમોલના પ્રત્યાર્પણની માંગણી કરી છે. પરંતુ આશ્રયની કાર્યવાહીને કારણે તેને ભારતમાં પ્રત્યાર્પણની શક્યતા ઘટી ગઈ છે.