Get The App

કડક સલામતી વચ્ચે 'કાલા જથેડી' અને હિસ્ટરી શીટર 'મેડમ મિન્ઝ'ના લગ્ન

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
કડક સલામતી વચ્ચે 'કાલા જથેડી' અને હિસ્ટરી શીટર 'મેડમ મિન્ઝ'ના લગ્ન 1 - image


- વર ગેંગસ્ટર જ્યારે વધૂ સામે અનેક ફોજદારી કેસો

- કોર્ટે મંજૂરી આપતા પોલીસ સુરક્ષા વચ્ચે લગ્ન થયા, લગ્ન પછી સંદીપને ફરી તિહાર જેલ લઈ જવાયો

નવી દિલ્હી : કાલા જથેડી તરીકે ઓળખાતા ગેન્ગસ્ટર સંદીપે મેડમ મિન્ઝ તરીકે ઓળખાતી અનુરાધા ચૌધરી સાથે દિલ્હીના દ્વારકામાં એક બેન્ક્વે હોલમાં કર્યા હતા. બે ડઝનથી વધુ ફોજદારી કેસોનો સામનો કરી રહેલા સંદીપને ભારે સુરક્ષા વચ્ચે પોલીસ વેનમાં મંગળવારે સવારે ૧૦.૧૫ કલાકે જામીન પર છુટેલી હિસ્ટરી શીટર અનુરાધા સાથે લગ્ન કરવા લવાયો હતો. બંને આરોપીઓ અનેક ગંભીર કેસોમાં સંડોવાયેલા છે. કોર્ટે મંજૂરી આપતા પોલીસ સુરક્ષા વચ્ચે તેમના લગ્ન થયા હતા.

મેટલ ડિટેક્ટરો, ડ્રોન અને સ્વેટ કમાન્ડોથી ગઢ બની ગયેલા બેન્ક્વેટમાં સંદીપ અને અનુરાધા દાખલ થયા હતા. સંભવિત ગેન્ગવોર નિવારવા તેમજ સંદીપને નાસી જતો રોકવા પોલીસે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી હતી. તિહાર જેલથી સાત કિલોમીટરના અંતરે આવેલા બેન્ક્વેનું બૂકીંગ સંદીપના વકીલે રૃા. ૫૧ હજારમાં કર્યું હતું. પ્રત્યેક મહેમાનનું નામ રજિસ્ટરમાં નોંધવામાં આવ્યું હતું. મીડિયાકર્મીઓને પ્રવેશ ખાતે આવેલા કક્ષમાં રોકી રખાયા હતા પણ સમારંભ દરમ્યાન તેમને તેમના મોબાઈલ ફોન વિના પ્રવેશની મંજૂરી અપાઈ હતી.

દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ચોરી, હત્યા, હત્યાના પ્રયાસ, વસુલીના કેસોનો સામનો કરી રહેલા તેમજ કેદની સજા ભોગવી રહેલા ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાગરીત રહેલા સંદીપના લગ્ન મની લોન્ડરીંગ, અપહરણ, ધમકી અને શસ્ત્ર કાયદા ઉલ્લંઘનના કેસોનો સામનો કરી રહેલી અને ગેન્ગસ્ટર આનંદપાલ સિંઘની ભૂતપૂર્વ સાગરીત અનુરાધા સાથે થયા હતા. સમારંભમાં દંપતીના પરિવારના સભ્યો, દિલ્હીના પોલીસ અધિકારીઓ, વકીલો ઉપરાંત લગભગ પચાસ મહેમાનો હાજર રહ્યા હતા. 

સંદીપને સવારે ૧૦થી સાંજે ચાર સુધી લગ્ન માટે મંજૂરી આપવામાં આવી હોવાથી તેને ૩.૫૦ કલાકે તિહાર પાછો લઈ જવાયો હતો. કોર્ટની મંજૂરી મુજબ સંદીપને ફરી ૧૩ માર્ચે સોનીપતમાં તેના ગામ જથેડી ખાતે ગૃહ પ્રવેશની વિધિ માટે લઈ જવામાં આવશે.


Google NewsGoogle News