નાસિક જેલમાંથી છૂટતા જ આરોપીએ એવું કૃત્ય કર્યું કે ફરી જેલભેગો થયો, જાણો શું છે મામલો
Gangster Harshad Patankar In Maharashtra: મહારાષ્ટ્રની નાસિક સેન્ટ્રલ જેલમાં એમપીડીએ કાયદા હેઠળ બંધ રીઢા ગુંડા હર્ષદ પાટમકરને જેલમાંથી છૂટ્યા બાદ જંગી સરઘસ કાઢવું ભારે પડી ગયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી તેને પાછો જેલમાં ધકેલી દીધો હતો.
જાણો સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, હર્ષદ પાટમકર મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટીઝ એક્ટ (એમપીડીએ) કાયદા હેઠલ છેલ્લા થોડા સમયથી નાસિકની સેન્ટ્રલ જેલમાં બંધ હતો. જેલમાંથી છૂટતા તેના સમર્થકોએ લક્ઝરી કારના કાફલા સાથે વાજતે-ગાજતે સરઘસ કાઢ્યું હતું. નાસિકના શરણપૂર રોડના બૈથલ નગરથી આંબેડકર ચોક, સાઘુ વાસવાણી રોડ, જેવા વિસ્તારમાં નીકળેલા આ સરઘસમાં હર્ષદ પાટણકરના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પણ રાજકારણમાં ઝંપલાવશે, અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે ચૂંટણી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો 'બોસ ઇઝ બેક' જેવા સૂત્રોચ્ચાર કરતા પણ નજરે પડતા હતા. એક રીઢા ગુંડાના આવા જંગી સરઘસને લીધે ખળભળાટ મચી ગયો હતો. લોકોએ આ સરઘસ ન રોકવા પોલીસના માથે પણ માછલા ધોયા હતા. અંતે આ વાતની ગંભીર નોંધ લઈ પોલીસે કાર્યવાહી કરી હતી અને તેને પાછો જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.