હરિયાણામાં ચૂંટણી વચ્ચે ગેંગવૉર ફાટી નીકળ્યું, અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 3 યુવકનાં મોત
Gang War In Haryana: હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં રાહુલ બાબા અને પલોટરા ગેંગ વચ્ચે ગેંગવોર થઈ છે. ગુરુવારે (20મી સપ્ટેમ્બર) રાત્રે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ રોહતકના સોનીપત રોડ નજીક પાંચ યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો અને સ્થળ પરથી ભાગી ગયા હતા. આ ફાયરિંગમાં ત્રણ યુવકોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ત્રણેય મૃતકોની ઓળખ જયદીપ (30), અમિત નાંદલ (37) અને વિનય (28) તરીકે થઈ છે. આ તમામ બોહર ગામના રહેવાસી છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ અનુજ (29) અને મનોજ (32) તરીકે થઈ છે. બંને રોહતકના આર્ય નગરના રહેવાસી છે.
જાણો શું છે સમગ્ર મામલો
અહેવાલો અનુસાર, પોલીસ આ ગોળીબારની ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ આ ઘટનાને 10 મહિના પહેલા સુનારિયા જેલમાં ગેંગસ્ટર રાહુલ બાબા પર થયેલા હુમલાનો બદલો માની રહી છે. આ ઘટના બાદ તરત જ સોશિયલ મીડિયા પર રાહુલ ઉર્ફે બાબાના નામે એક પોસ્ટ મૂકીને ઘટનાની જવાબદારી લીધી હતી. રાહુલ બાબા હાલ જામીન પર જેલની બહાર છે અને બે દિવસ પહેલા બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: ખતરનાક અકસ્માત કેમેરામાં કેદ, રોંગ સાઈડમાં આવતી SUVએ બાઈકરને ફંગોળ્યું
સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે જે કંઈ પણ થયું છે, તેની સંપૂર્ણ જવાબદારી આઝાદ ગેંગ લે છે. જય ભવાની.' પોસ્ટમાં રાહુલ બાબા, કાલા, પ્રવીણ દાદા અને અનિલ છિપી નામ હેશટેગ સાથે આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, 29મી ડિસેમ્બર 2023ના સુનારિયા જેલમાં ગેંગસ્ટર રાહુલ બાબા પર જીવલેણ હુમલો થયો હતો. જેલની કેન્ટીન પાસે ચાર કેદીઓએ રાહુલ બાબા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. રાહુલને સારવાર માટે પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાહુલ પર હુમલાનો આરોપ પલોટરા ગેંગ પર લાગ્યો
રાહુલ પર આ હુમલાનો આરોપ સુમિત પલોટરા ગેંગ પર હતો. પોલીસે જે ચાર કેદીઓ વિરુદ્ધ હુમલાનો કેસ નોંધ્યો હતો તેમાં કિલોઈના રહેવાસી ભગત સિંહ ઉર્ફે ભગતા, મોખરાના સોહિત ઉર્ફે રાંચો, મોખરા ખાસના વિક્રાંત અને ઝજ્જરના છારા ગામના અરુણ ઉર્ફે ભોલુનો સમાવેશ થાય છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ એફએસએલ નિષ્ણાત ટીમે પણ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં પોલીસે તેને ગેંગ વોરનો મામલો ગણાવ્યો છે.