અંગત મિલકત પર સરકારી કબજા મુદ્દે ગાંધી વિચાર વધુ યોગ્ય : સુપ્રીમ
- અંગત સંપત્તિની વહેંચણી મુદ્દે રાજકીય ઘમાસાન વચ્ચે સુપ્રીમનું અવલોકન
- સમાજના ભૌતિક સંસાધનના સંદર્ભમાં ગાંધીવાદી વિચાર માર્ક્સવાદ અને મૂડીવાદની વચ્ચેનો માર્ગ દર્શાવે છે : સીજેઆઈ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના સમયમાં વારસાગત સંપત્તિ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે લોક કલ્યાણના નામે અંગત મિલકત પર સરકારી નિયંત્રણની માર્ક્સવાદી વિચારસરણીને ખતરનાક ગણાવી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગાંધી વિચારને વધુ યોગ્ય ગણાવ્યો છે. બંધારણની કલમ ૩૯(બી) હેઠળ લોકકલ્યાણ માટે સમાજના ભૌતિક સંશાધનો હેઠળ અંગત માલિકીની સંપત્તિનો સમાવેશ થઈ શકે કે નહીં તે મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે. ન્યાયાધીશ કૃષ્ણા ઐય્યરે અંગત સંપત્તિને સમુદાયના ભૌતિક સંશાધનનો ભાગ માન્યો હતો. જોકે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે આ મુદ્દે ગાંધીવાદી વિચારથી આ ચૂકાદાનું વિશ્લેષણ કર્યું છે.
મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ૨૫ વર્ષ જૂના કેસમાં સુનાવણી શરૂ કરી છે. આ કેસમાં ગુરુવારે બીજા દિવસે પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણનો આશય સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે. તેથી એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની અંગત સંપત્તિને સમાજના ભૌતિક સંશાધન તરીકે માનવામાં ના આવે. જોકે, કોર્ટે એમ પણ કહ્યું કે, એ કહેવું પણ ખતરનાક હશે કે સમાજના કલ્યાણ માટે સરકાર અંગત સંપત્તિ પર કબજો લઈ શકે નહીં.
સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી વચ્ચે 'સંપત્તિના વિતરણ' અંગે રાજકીય હોબાળો મચ્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલી નવ સભ્યોની બંધારણીય બેન્ચમાં ન્યાયાધીશો ઋષિકેશ રૉય, બીવી નાગરત્ના, સુધાંશુ ધૂલિયા, જેબી પારડીવાલા, મનોજ મિશ્રા, રાજેશ બિંદલ, સતીશ ચંદ્ર શર્મા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૦૨માં આ કેસ ૯ જજોની બેન્ચ પાસે આવ્યો હતો. આ પહેલા મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશન સહિત વિવિધ પક્ષોના વકીલોએ દલીલ કરી છે કે બંધારણની કલમ ૩૯(બી) અને ૩૧-સીની બંધારણીય યોજનાઓના ઓઠા હેઠળ સરકારી અધિકારીઓ દ્વારા અંગત સંપત્તિઓ પર કબજો કરી શકાય નહીં.
વર્ષ ૧૯૭૭માં કર્ણાટક રાજ્ય વિરુદ્ધ રંગનાથ રેડ્ડી અને અન્ય મામલામાં ન્યાયાધીશ કૃષ્ણા ઐય્યરે લઘુમતી ચૂકાદામાં અંગત સંશાધનોને બંધારણની કલમ ૩૯(બી) હેઠળ 'સમાજના ભૌતિક સંશાધનો'નો ભાગ માન્યો હતો. ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, ન્યાયાધીશ ઐય્યર કહે છે કે કલમ ૩૯(બી)નું ધ્યાન રિડિસ્ટ્રીબ્યુશન પર હોય તો તે ભૌતિક સંશાધન સાર્વજનિક હોય કે અંગત, તેનાથી કોઈ ફરક નથી પડતો. આ બાબત જ ચૂકાદાનો તર્ક છે. આ કેસની સાથે મુખ્ય ન્યાયાધીશે મિનરવા મિલ્સ વિરુદ્ધ ભારત સંઘના કેસની પણ વ્યાખ્યા કરી હતી, જેણે કલમ ૩૧-સીની સુધારાની આવૃત્તિને રદ કરી દીધી હતી. આ સમયે બેન્ચને આશ્ચર્ય થયું કે, શું તેનાથી ૧૯૭૬ના ૪૨મા સંશોધન અધિનિયમ આવતા પહેલાં સુધારા વિનાની આવૃત્તિ પુનર્જિવિત થઈ શકશે કે કેમ?
આ સંદર્ભમાં અરજદારો તરફથી દલીલ કરાઈ હતી કે જસ્ટિસ ઐય્યર મુજબ તમે કોઈપણ વ્યક્તિની જમીન પર કબજો કરીને તેને વહેંચી શકો છો. આ એકદમ માર્ક્સવાદી કન્સેપ્ટ છે કે કોઈની પણ જમીન લઈ લો અને તેને કોઈને પણ વહેંચી દો. આ સમયે સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, આપણે ન્યાયાધીશ ઐય્યરની માર્ક્સવાદી વ્યાખ્યા સુધી જવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે, એકબાજુ મૂડીવાદ, સંશાધનો પર વ્યક્તિગત માલિકી હકની વાત કરે છે. બીજીબાજુ સમાજવાદ કોઈપણ સંપત્તિને ખાનગી નથી માનતો અને તેના પર બધાનો હક હોવાનો દાવો કરે છે. પરંતુ ભારતમાં સંપત્તિ અંગે ગાંધીવાદી સિદ્ધાંત છે, જે સંપત્તિને ટ્રસ્ટમાં રાખે છે. ભારતમાં સંપત્તિને માત્ર આગામી પેઢીઓ માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ રાખવામાં આવે છે અને તે જ સતત વિકાસની અવધારણા છે.
સીજેઆઈએ કહ્યું કે, ન્યાયાધીશ ઐય્યરના લઘુમત નિર્ણયે સમાજની આર્થિક જરૂરિયાતોને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને બંધારણમાં નિર્દેશક સિદ્ધાંતો (ડીપીએસપી)ના રૂપમાં આગળ વધારાયા છે. કલમ ૩૯(બી) ડીપીએસપીમાંથી એક હોવાથી ગાંધીવાદી સિદ્ધાંતોને દર્શાવે છે, જે રાજકીય સિદ્ધાંત સ્પેક્ટ્રમના મૂડીવાદ અને સમાજવાદના બે અંતિમોથી વિપરિત એક મધ્યમ માર્ગ છે.