વરુણ ગાંધીએ ભાજપની ઓફર ઠુકરાવી? નહીંતર આ બેઠક પર 'ગાંધી vs ગાંધી' નો મુકાબલો થાત
Raebareli Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે જ્યારે ટિકિટોનું એલાન થઈ રહ્યું હતું ત્યારે પીલીભીત બેઠક પરથી વરુણ ગાંધીને ટિકિટ ન મળતા બધા હેરાન રહી ગયા હતા. ત્યારબાદ અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યુ હતું કે, વરુણ ગાંધી સપા અથવા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. પરંતુ બાદમાં વરુણ ગાંધીએ ખુદ એક પત્ર લખીને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ન તો ચૂંટણી લડશે અને ન તો પાર્ટી બદલશે. પરંતુ હવે આ મામલે નવી જાણકારી સામે આવી છે.
વરુણ ગાંધીએ ભાજપની ઓફર ઠુકરાવી
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાજપે પીલીભીત લોકસભા બેઠક પરથી વરુણ ગાંધીની ટિકિટ કાપ્યા બાદ તેમને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર આપી હતી. આ મુદ્દે ભાજપના એક વરિષ્ઠ નેતાએ વરુણ ગાંધી સાથે વાત પણ કરી હતી. પરંતુ વરુણ ગાંધીએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. વરુણે કહ્યું કે, ભલે કંઈ પણ થઈ જાય પરંતુ હું મારી બહેન સામે ચૂંટણી નહીં લડીશ. એવી ચર્ચા છે કે, રાયબરેલીથી કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવી શકે છે. આમ જો વરુણ ગાંધીએ ભાજપની ઓફર ઠુકરાવી ન હોત અને કોંગ્રેસ રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવે તો આ બેઠક પર 'ગાંધી vs ગાંધી' નો મુકાબલો થાત.