રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- 'સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર'
ભાજપ કાર્યાલય બહાર ઉજવણીની તૈયારીઓ શરૂ, ટેન્ટ લગાવાયા, નેતાઓનું આગમન પણ શરૂ
કાર્યાલય પર ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, 5 વર્ષ બાદ રાજસ્થાનમાં ફરી ભાજપ સરકાર બનશે
જયપુર, તા.03 નવેમ્બર-2023, રવિવાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શનિવારે સાંજે ભાજપ કાર્યાલય પર એક પછી એક રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવાડી, પૂર્વ ધારાસભ્ય અરૂણ ચતુર્વેદી અને પૂર્વ ધારાસભ્ય મોહન લાલ ગુપ્તા પહોંચ્યા હતા. વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ ભાજપ કાર્યાલયે ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી
રાજસ્થાનમાં ભવ્ય જીત તરફ આગળ વધી રહેલા ભાજપની તૈયારીઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત ભાજપ કાર્યાલયે પહોંચી ગયા છે. અહીં તેમણે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે દાવો કર્યો કે, આ વખતે રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી મળશે. 5 વર્ષ બાદ રાજસ્થાનમાં ફરી ભાજપ સરકાર બનશે.
પ્રચંડ બહુમતી સાથે જીતી રહી છે ભાજપ
શેખાવતે કહ્યું કે, જે રીતે સૂરજ પુર્વમાં ઉગે છે, તે રીતે એ પણ સ્પષ્ટ છે કે, આ વખતે ભાજપની જ સરકાર બનશે. અપક્ષ ઉમેદવારો સાથે વાતચીત કરી હોવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, આ બધુ એક પ્રક્રિયા હેઠળ થઈ રહ્યું છે, જોકે એ નક્કી છે કે, ભાજપ પ્રચંડ બહુમતી સઆથે જીતવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્રજા ઈચ્છતી હતી કે, આ વખતે ભાજપ સરકાર બને અને કોંગ્રેસની સરકાર જવી જોઈએ. હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભ્રષ્ટ સરકાર જશે અને ભાજપ સરકાર આવશે, આ અટલ સત્ય છે.