ગગનયાન મિશન : ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા : IAFના ત્રણ જવાનો એસ્ટ્રોનોટ્સ બનશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ગગનયાન મિશન : ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા : IAFના ત્રણ જવાનો એસ્ટ્રોનોટ્સ બનશે 1 - image


- ઇસરો ચીફ સોમનાથ ગુજરાતમાં સોમનાથના દર્શને ગયા

- એસ્ટ્રોનોટસ્ના નામ જાહેર નથી કરાયાં, પરંતુ બેંગલુરુ પાસેના એસ્ટ્રોનોટસ્ ટ્રેનિંગ સેન્ટરમાં તેમને તાલીમ અપાઈ રહી છે

બેંગલુરૂ, નવી દિલ્હી : ચંદ્રયાનની સફળતા પછી ઇસરો હવે 'ગગનયાન'ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે 'એસ્ટ્રોનટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના એક વિડિયો ઉપરથી આ અંગેનો સંકેત મળી રહ્યો છે. IAF દ્વારા તેની ૯૧મી જયંતિએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ "X" ઉપર (પૂર્વેના ટ્વિટર) ઉપર એક વિડિયો વહેતો મુક્યો છે. ૧૧ મિનિટ્સના આ વિડિયોમાં વાયુસેનાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મહત્ત્વની વાત તે છે કે આ વિડિયોમાં વાયુસેનાના ૩ જવાનોની ઝલક પણ દર્શાવાઈ છે. કે જેમને 'ગગનયાન' માટે ચુંટી કઢાયા છે. આ ત્રણે જવાનો તે માટે તૈયારીઓ કરતા દેખાય છે.

જો કે, સુરક્ષાની દ્રષ્ટિએ એસ્ટ્રોનટસના નામ કે અન્ય કોઈ ઓળખાણ જાહેર કરાયા નથી. ઇસરોએ જણાવ્યું છે કે, બેંગલુરૂ પાસેની એસ્ટ્રોનેટ્સ ટ્રેનિંગ ફેસિલીટીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એસ્ટ્રોનોટ્સ માટેના મોડયુલમાં શૈક્ષણિક પાઠયક્રમ, ગગનયાન ઉડાણ પ્રણાલી, પેરાબોલિક ઉડાણોના માધ્યમથી સૂક્ષ્મ ગુરૂત્વાકર્ષણનો પરિચય, એરો મેડિકલ પ્રશિક્ષણ, વાપસી અને પુનર્વાસ પ્રશિક્ષણ (ટ્રેનિંગ), ઉડ્ડયન પ્રક્રિયાઓમાં આવડત મેળવવી, ચાલકદલ પ્રશિક્ષણ, તથા સિમ્યુલેટર પરની ટ્રેનિંગ સામેલ છે.

તે ઉપરાંત હવાઈ ચિકિત્સા ટ્રેનિંગ, આવધિક ઉડયન અભ્યાસ અને યોગને પણ સામેલ કરવામાં આવેલ છે. સૌથી મહત્ત્વની વાત તો તે છે કે ઇસરો આ મિશનમાં માનવ સુરક્ષા ઉપર ભાર મૂકે છે. સ્પેસ એજન્સી વધુમાં જણાવે છે કે, આ સાથે કેટલીયે આધુનિક ટેક્નીક વિકસિત કરાઈ રહી છે.

ગગનયાન મિશન ૨૦૨૪માં લોન્ચ થશે તેમ મનાય છે. તે સાથે માનવીને અંતરિક્ષ મોકલનાર ભારત ચોથો દેશ હશે. આ સૂચિમાં રશિયા અમેરિકા અને ચીન છે. પહેલા માનવ રહિત ગગનયાન મોકલાશે તે પછી ૩ એસ્ટ્રોનોટ્સ માટેની સુવિધા સાથેનું ગગનયાન તેના ૩ દિવસના મિશન દરમિયાન ૪૦૦ કી.મી.ની ઓર્બિટમાં મોકલવામાં આવશે.

દરમિયાન ચંદ્રયાન અંગે 'ઇસરો'ને ખુશખબર મળ્યા છે કે તેનો 'પે લોડ' હજી પણ કામ કરી રહ્યો છે. ઇસરોના ચીફ સોમનાથે આ માહિતી આપતા જણાવ્યું છે કે, ચંદ્રયાન-૩ના રૉવર 'પ્રજ્ઞાને' એ કામ કરી આપ્યું છે કે, જેની આશા રખાતી હતી. સોમનાથ ગુજરાતના સોમનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા ત્યાં પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, 'હવે ઇસરો એક્સ પીઓ સેટ' કિંવા એક્સરે પોલારમીટર ઉપગ્રહ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે નવેમ્બર કે ડિસેમ્બરમાં અંતરિક્ષ સ્થિત કરાશે.

ંચંદ્ર ઉપર 'સૂર્યોદય' થતા ચંદ્રયાન-૩ના સૌર-ઊર્જાથી સંચાલિત લેન્ડર વિક્રમ અને રૉવર 'પ્રજ્ઞાન' સાથે સંપર્ક સાધી તેમને સક્રિય કરવા પ્રયાસો હાથ ધરાશે.

ચંદ્રયાન પછી સૂર્ય મિશનમાં પણ ખુશખબર મળ્યા છે. ઇસરોનું આદિત્ય એલ-૧ પૃથ્વીથી ૯.૨ લાખ કિ.મી.થી પણ વધુ અંતર કાપી રહ્યું છે. અત્યારે તે સન-અર્થ, લૈંગેજ પોઇન્ટ-૧ (એલ-૧) તરફ પોતાનો માર્ગ શોધી રહ્યું છે. હવે તે પૃથ્વીના 'પ્રભાવ ક્ષેત્ર'ની બહાર ચાલ્યું ગયું છે. આવું પહેલીવાર મંગળ ઓર્બિટર મિશન સમયે થયું હતું.

આ મિશન, સૂર્યપ્રકાશનું સ્પેક્ટ્રો કોપિક વિશ્લેષણ કરવા ઉપરાંત, તેના ત્રણ પ્લાઝમા ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઇન-સીટુ માપદંડો મળશે. આદિત્ય એલ-૧માં બે મુખ્ય પે-લોડ છે. વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફી (વી.ઇ.એલ.સી.) અને સોલર અલ્ટ્રા વાયોલેટ ઇમેજિંગ ટેલીસ્કોપ (એસયુઆઇટી) લૈંગેજ પોઇન્ટ પર પહોંચ્યા પછી તે રોજની ૧,૪૪૦ તસવીરો મોકલશે.


Google NewsGoogle News