Get The App

ખરાબ રસ્તો બનાવે તેમને જેલ ભેગા કરો: ગડકરીની ચેતવણીથી કોન્ટ્રાક્ટર્સ-એન્જિનિયરો ટેન્શનમાં

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ખરાબ રસ્તો બનાવે તેમને જેલ ભેગા કરો: ગડકરીની ચેતવણીથી કોન્ટ્રાક્ટર્સ-એન્જિનિયરો ટેન્શનમાં 1 - image


Nitin Gadkari Warns Contractor And Engineer : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં વધતા અકસ્માતો અને નબળા રોડ બાંધકામની ચિંતા વ્યક્ત કરી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની ચિંતા વધારી દીધી છે. ગડકરી એક્સપ્રેસ-વે અને હાઇવેના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે રોડ સુરક્ષાની બાબતોમાં પણ વધુ ધ્યાન આપી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ રોડ અકસ્માતના ઈજાગ્રસ્તોને કેશલેસ સારવારની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ પહોંચાડનારને 25 હજાર રૂપિયા ઇનામ આપવાની વાત કહી હતી. હવે તેમણે રોડ સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધુ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, ખરાબ રસ્તો બનાવનારને જેલ ભેગા કરવા જોઈએ અને તેને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ.

‘...તો કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને જેલ ભેગા કરવા જોઈએ’

તેમણે કહ્યું કે, ‘વિશ્વભરમાં સૌથી વધુ અકસ્માતો ભારતમાં થાય છે. રોડ અકસ્માતોમાં ભારત નંબર-વન છે. રોડ અકસ્માતો (Road Accident) માટે કોન્ટ્રાક્ટર્સ-એન્જિનિયરોને જવાબદાર ઠેરવવા જોઈએ અને તેમને જેલમાં ધકેલવા જોઈએ. ખામીયુક્ત રોડ બાંધકામના કારણે થતાં અકસ્માતોમાં કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને જવાબદાર ઠેરવી જેલમાં મોકલવા જોઈએ. આવો ગુનો બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ.

આ પણ વાંચો : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, 8મા પગાર પંચની રચનાને સરકારની મંજૂરી

2023માં અકસ્માતોમાં 1.72 લાખના મોત

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુને અડધો કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ડેટા મુજબ વર્ષ 2023માં ભારતમાં પાંચ લાખ રોડ અકસ્માતો થયા હતા, જેમાં 1.72 લાખ લોકોના મોત થયા છે. ગડકરીએ કહ્યું હતું કે, આ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 1,14,000 લોકો 18-45 વર્ષની ઉંમરના હતા. જ્યારે 10,000 બાળકો હતા. 

બ્લેક સ્પૉટના સમારકામ માટે 40,000 કરોડનો ખર્ચ

તેમણે કહ્યું કે, વર્ષ 2023માં 55000 લોકોના મોત હેલમેટ ન પહેરવાના કારણે, જ્યારે 30000ના મોત સીટ બેલ્ટ ન લગાવવાના કારણે થયા હતા. ગડકરીએ એમ પણ કહ્યું છે કે, મંત્રાલય હાઇવે પરના બ્લેક સ્પૉટ(સંભવિત અકસ્માત સંવેદનશીલ સ્થળ)ના સમારકામ માટે 40,000 કરોડ ખર્ચ કરી રહ્યું છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલાથી રાજકારણ ગરમાયું, રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો


Google NewsGoogle News