Get The App

...તો વાહનો થશે સસ્તા, ગડકરીએ આ ગાડીઓ પર 16% GST ઘટાડવાની માંગ કરી

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
...તો વાહનો થશે સસ્તા, ગડકરીએ આ ગાડીઓ પર 16% GST ઘટાડવાની માંગ કરી 1 - image


Nitin Gadkari Demanded to Reduce the GST Rate : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે, રાજ્યના નાણામંત્રીઓએ 'ફ્લેક્સ-ફ્યુઅલ' વાળા વાહનો પરનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડીને 12 ટકા કરવાનો વિચાર કરવો જોઈએ. 'ફ્લેક્સ ફ્યુઅલ' વાહનો એટલે એવા વાહનો કે જે એક કરતાં વધુ ઇંધણ પર ચાલે છે. સામાન્ય રીતે પેટ્રોલ સિવાય આ વાહનો ઇથેનોલ અથવા મિથેનોલ મિશ્રિત પેટ્રોલ પર પણ ચાલે છે. ગડકરીએ IFGE ના ઈન્ડિયા બાયો-એનર્જી એન્ડ ટેક એક્સ્પોને સંબોધન કરતાં કહ્યું હતું કે, ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવાની અને બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. એટલે જો GST ઘટાડવા પર દરેકની સહમતિ થાય તો ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનવાળા વાહનો સસ્તા થશે અને તેનું વેચાણ વધશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું આશ્વાસન 

ગડકરીએ કહ્યું, “કેન્દ્રીય નાણામંત્રીએ મને આશ્વાસન આપ્યું છે કે તે આ અંગે તમામ રાજ્યોના નાણામંત્રીઓ સાથે વાત કરશે. અમારે વિવિધ રાજ્યોના નાણામંત્રીઓના સમર્થનની જરૂર છે.  મેં મહારાષ્ટ્રના નાણામંત્રી સાથે બેઠક કરી અને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન કાર પર જીએસટી ઘટાડવા વાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને 'ફ્લેક્સ-ફ્યુઅલ' વાહનો પર ટેક્સ ઘટાડવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે. 

આ સાથે મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવાર સાથેની એક અલગ બેઠકમાં ગડકરીએ આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની GST બેઠકમાં હાજરી આપવાનું સૂચન કર્યું હતું.

હાલમાં 28 ટકા GST ભરવો પડે છે

હાલમાં હાઇબ્રિડ સહિત પેટ્રોલ એન્જિનવાળા વાહનો પર 28 ટકા અને ઇલેક્ટ્રિક વાહનો પર પાંચ ટકા જીએસટી લગાવવામાં આવે છે. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે, દેશ દર વર્ષે 22 લાખ કરોડ રૂપિયા સુધીના અશ્મિભૂત ઇંધણ (કોલસો, ક્રૂડ ઓઇલ) ની આયાત કરે છે અને આ માત્ર વાયુ પ્રદૂષણ સંબંધિત સમસ્યા નથી પણ આર્થિક સમસ્યા પણ છે. 

ગડકરીએ જણાવ્યું કે, 'મને વિશ્વાસ છે કે અશ્મિભૂત ઇંધણની આયાત ઘટાડીને અને બાયોફ્યુઅલને પ્રોત્સાહિત કરીને કૃષિ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થશે. આજે બાયો-ફ્યુઅલ સેક્ટરમાં ઘણી સંભાવનાઓ રહેલી છે. દેશમાં બાયો-ફ્યુઅલની કિંમત ઓછી છે અને તેનાથી પ્રદૂષણ પણ થતું નથી. એટલા માટે તે સામાન્ય માણસ માટે પણ ફાયદાકારક સાબિત થશે. ઓટોમોબાઈલ ઉદ્યોગ એ ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ઉદ્યોગ છે.'

મોટી સંખ્યામાં નોકરીઓ ઉપલબ્ધ

રોજગારી વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે,  “આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ નોકરીઓનું સર્જન કર્યું છે. આ એ ઉદ્યોગ છે જે રાજ્ય અને કેન્દ્ર સરકારને સૌથી વધુ GST ચૂકવે છે.  હીરો અને બજાજ જેવા ટુ-વ્હીલર ઉત્પાદકો ભારતમાં બનેલી 50 ટકા બાઇકની નિકાસ કરે છે. જો અમારી પાસે બાયો-ફ્યુઅલ માટે સારી ટેક્નોલોજી હશે તો અમારી નિકાસમાં 10 થી 20 ટકાનો વધારો થશે. 


Google NewsGoogle News