જે કંપની પાછળ ED પડી તેણે જ સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદી રાજકીય પક્ષોને આપ્યું મસમોટું દાન
મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા માર્ચ 2022માં આ કંપની સામે તપાસ કરાઈ હતી
Electoral Bond Data | ભારતીય ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા માર્ચ 2022માં તપાસ કરાયેલી એક કંપનીએ 1350 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી.
એસબીઆઈએ આપેલી વિગતો જાહેર થઈ
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જારી કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBI એ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી હતી.
કમિશને તેની વેબસાઈટ પર બે ફાઈલોની વિગતો આપી હતી
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા પહેલા બોન્ડ દ્વારા દાન આપનારા અને મેળવનારાઓના નામની માહિતી તેની વેબસાઇટ પર જાહેર કરી હતી. પંચે તેની વેબસાઈટ પર બે ફાઈલોની વિગતો આપી છે. એક ફાઇલમાં દાન આપનારાઓના નામ અને રકમ છે, જ્યારે બીજી ફાઇલમાં રાજકીય પક્ષો અને દાન મેળવેલી રકમની વિગતો છે.
કોણે કોણે બોન્ડ ખરીદયાં?
જાહેર કરવામાં આવેલી વિગતોનું વિશ્લેષણ સ્પષ્ટપણે દર્શાવે છે કે રાજકીય પક્ષોને દાન આપનારાઓમાં સ્ટીલ ટાયકૂન લક્ષ્મી મિત્તલ, એરટેલના પ્રમોટર અબજોપતિ સુનીલ ભારતી મિત્તલ, વેદાંતા ગ્રૂપના અનિલ અગ્રવાલ, ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસિસ મુખ્ય છે. અહીં ઉલ્લેખનીય છે એ છે કે ફ્યુચર ગેમિંગ એ જ કંપની છે જેની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) માર્ચ 2022માં મની લોન્ડરિંગના આરોપોની તપાસ કરી હતી. આ કંપનીએ બે અલગ-અલગ કંપનીઓ મારફત રૂ. 1,350 કરોડથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે.