30 દિવસમાં સામે નહીં આવે તો ભાગેડું મેહુલ ચોક્સીની સંપત્તિ કરાશે જપ્ત, કોર્ટે કરી કડક કાર્યવાહી
ચોક્સી 13,000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ કેસમાં નીરવ મોદી સાથે સહ-આરોપી છે
image : IANS |
Proclamation against fugitive diamond businessman Mehul Choksi : મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા દાખલ કરાયેલી અરજી પર અહીંની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ જાહેરનામું (પ્રોક્લેમેશન) બહાર પાડ્યું છે. ચોક્સી 13,000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ કેસમાં નીરવ મોદી સાથે સહ-આરોપી છે. PNB કૌભાંડમાં તેનું નામ સામે આવ્યા બાદ EOW એ ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
હાલમાં કયો મામલો બહાર આવ્યો?
મુંબઈ સ્થિત કંપની લક્ષ્મી ઈન્ફ્રા ડેવલપર્સ લિમિટેડે 2019માં મુનબાઈ પોલીસ સ્ટેશનમાં મેહુલ ચોક્સી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે મેહુલ ચોક્સીએ દેશ છોડીને ભાગી જવાના 15 દિવસ પહેલા ફરિયાદી કંપનીને પોતાનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વેચી દીધો હતો. PNB કૌભાંડની તપાસ કરતી એજન્સીએ ચોકસીના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને ગેરકાયદેસર રીતે કમાયેલી મિલકત ગણી હતી અને તેને જપ્ત કરી હતી.
કોર્ટની પ્રોક્લેમેશનની પ્રક્રિયા શું છે?
EOW એ ઑક્ટોબર 2021માં એસ્પ્લેનેડ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ જાહેરનામા માટે આ અરજી દાખલ કરી હતી. પછીથી કોર્ટે મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જો કે વોરંટ જારી હોવા છતાં તે કોર્ટમાં હાજર થયો ન હતો, ત્યારે જાહેરનામું જારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રોક્લેમેશન એક એવી પ્રક્રિયા છે જેમાં અદાલત કોઈ વ્યક્તિને સામે આવવા અને તેના મંતવ્યો રજૂ કરવા માટે લગભગ 30 દિવસનો સમય આપે છે. જો વ્યક્તિ પોતાનો કેસ રજૂ કરવા કોર્ટમાં ન આવે તો તેને ગુનેગાર જાહેર કરવામાં આવે છે અને મિલકત જપ્ત કરવામાં આવે છે.