Get The App

INS સુરત થશે નૌકાદળમાં સામેલ, વાંચો ‘રાજથી સ્વરાજ’ સુધીની રસપ્રદ અને ગૌરવવંતી સફર

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
INS સુરત થશે નૌકાદળમાં સામેલ, વાંચો ‘રાજથી સ્વરાજ’ સુધીની રસપ્રદ અને ગૌરવવંતી સફર 1 - image


INS Surat : ભારતીય નૌકાદળ માટે 15 જાન્યુઆરી, 2025 નો દિવસ સીમાચિહ્નરૂપ સાબિત થવાનો છે, કેમ કે એ દિવસે એક નહીં બલ્કે ત્રણ લડાયક જહાજ નૌકાદળમાં સામેલ થવા જઈ રહ્યા છે. એક છે, ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ફ્રિગેટ ‘નીલગીરી’, બીજું છે ડીઝલ સબમરીન ‘વાઘશેર’ અને ત્રીજું છે ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર ‘સુરત’. મુંબઈના મઝગાંવ ડોક લિમિટેડ (MDL) ખાતે બનેલા ત્રણે જહાજોએ તમામ પ્રી-કમિશનિંગ ટ્રાયલ પૂરા કરી લીધા છે. સબમરીન ફ્રેન્ચ સ્કોર્પિયન ડિઝાઈનને આધારે બની છે, અને બંને જહાજ ભારતીય નૌકાદળના ‘વોરશિપ ડિઝાઈન બ્યુરો’ (WDB) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે. ત્રણ પૈકી આપણે આજે INS સુરતનો પરિચય મેળવીએ. 

INS સુરતની વિશેષતા

  • છેલ્લા 25 વર્ષોમાં બનેલ સ્વદેશી ડિસ્ટ્રોયર (એક પ્રકારનું યુદ્ધજહાજ જેને સાદી ભાષામાં ‘વિનાશિકા’ કહેવામાં આવે છે)ની સરખામણીમાં INS સુરત વધુ આધુનિક છે. એક નજર નાંખીએ આ અદ્યતન જહાજની વિશેષતાઓ પર.
  • INS સુરત એકથી વધુ પ્રકારના કાર્યો કરી શકે છે. તેનો ઉપયોગ ‘કેરિયર ટાસ્ક ફોર્સ’ (CTF)થી લઈને ‘સરફેસ એક્શન ગ્રૂપ્સ’ (SAG) અને ‘સર્ચ એન્ડ એટેક યુનિટ્સ’ (SAU) તરીકે કરી શકાય છે. તેની બહુ-પરિમાણીય ક્ષમતાઓનો ઉપયોગ સૈન્ય, કોન્સ્ટેબલરી, રાજદ્વારી અને નૌકાદળની સૌમ્ય ભૂમિકાઓ માટે કરી શકાય છે. 
  • 7,400 ટન વજન ધરાવતા INS સુરતની લંબાઈ 164 મીટર છે. 64,000 હોર્સપાવર સુધી પહોંચાડતા ચાર ગેસ ટર્બાઈન દ્વારા તે 30 નોટ્સ (લગભગ 60 કિમી પ્રતી કલાક)થી વધુ ઝડપે ગતિ કરવા સક્ષમ છે. તેની પહોંચ 7,500 કિમીની છે. 
  • અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતી આ વિનાશિકા શસ્ત્રોના મામલે પણ અવ્વલ છે. તે સરફેસ ટુ એર મિસાઈલ (સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ), એન્ટિ-શિપ મિસાઈલ, મધ્યમ અને નજીકના અંતરે ફાયર કરવા કાર્યક્ષમ બંદૂકો, સબમરીન વિરોધી ટોર્પિડો, અને રોકેટ જેવા શસ્ત્રો ધરાવે છે. 
  • તેના ફ્લાઈટ ડેક પર બે હેલિકોપ્ટર તહેનાત કરી શકાય છે. તેના પર ડ્રોન્સ પણ છે. 
  • સમગ્ર જહાજમાં 17 કિમીથી વધુ લંબાઈનું જટિલ વાયરિંગ/કેબલિંગ નેટવર્ક થયું છે. નૌકાદળની વ્યૂહાત્મક કામગીરી માટે અત્યંત જરૂરી એવા સેન્સર-રડાર અને સોનાર તથા સંચાર અને નેવિગેશન માટેની અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓથી INS સુરત સુસજ્જ છે.
  • આ જહાજમાં ઉચ્ચ પ્રકારનું ઓટોમેશન છે, જેમાં સોફ્ટવેર-વ્યાખ્યાયિત રેડિયો, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને નૌકાદળની ડેટાલિંક સિસ્ટમનો સમાવેશ થાય છે. 

INS સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ 

  • આ વિનાશિકાની ડિઝાઈનમાં આત્મરક્ષણ માટેની સ્ટીલ્થ સુવિધાઓનો સમાવેશ કરાયો છે. 
  • વિવિધ પ્રકારના જોખમો પારખી લેવા માટે જહાજમાં સંખ્યાબંધ સેન્સર્સ છે, જે 500 ફાયર ડિટેક્ટર સેન્સર અને 200 ફ્લડ સેન્સરથી પણ સજ્જ છે.
  • પરમાણુ શસ્ત્રો, જૈવિક શસ્ત્રો અને રાસાયણિક શસ્ત્રોનો મારો થયો હોય એવા દૂષિત વાતાવરણમાં પણ આ જહાજ લડવા સક્ષમ છે. 

આ પણ વાંચો : 'હું કોઈ પદનો દાવેદાર નથી', મુખ્યમંત્રી ચહેરો હોવાના AAPના દાવાને રમેશ બિધૂડીએ ફગાવ્યો

સ્ટાફ માટે પણ છે સુવિધા

તેના રસોડામાં 300 થી વધુ કર્મચારીઓ માટે ભોજન બનાવવાની ક્ષમતા છે. જહાજનો સ્ટાફ ચુસ્ત-દુરસ્ત રહે એ માટે જહાજમાં આધુનિક જિમ્નેશિયમ પણ છે અને તમામ પ્રકારની તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 

મહિલા સ્ટાફને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાઈ છે

INS સુરતની એક ખાસ વિશેષતા એ પણ છે કે એની ડિઝાઈન મહિલા અધિકારીઓ અને ખલાસીઓની જરૂરતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેને લીધે આ જ શ્રેણીની અન્ય વિનાશિકાઓ કરતાં આ જહાજ પર વધુ માત્રામાં મહિલા કર્મચારીઓને તહેનાત કરી શકાશે.

ભારતનું પહેલું Al-સક્ષમ જહાજ

INS સુરતને ભારતના પહેલા Al-સક્ષમ જહાજ બનવાનું ગૌરવ મળ્યું છે. દૂરના સ્થળેથી જહાજના મશીનરીના નિયંત્રણ અને દેખરેખની સુવિધા આપતી તેની ‘ઈન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ’ (IPMS) સ્વદેશી રીતે ડિઝાઈન કરવામાં આવી છે. નવીનતમ ટેક્નોલોજી આ જહાજની ઓપરેશનલ કાર્યક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. તેની શ્રેણીના અન્ય જહાજો કરતાં એક વેંત ઉપર મૂકવું પડે એટલું અદ્યતન છે INS સુરત. 

આ પણ વાંચો : VIDEO: ઉત્તરાખંડના પૌડીમાં બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 5 લોકોના મોત, 15થી વધુ ઘાયલ

INS સુરત છે મેડ ઈન ઈન્ડિયા જહાજ 

ભારત માટે અત્યંત ગૌરવની વાત એ છે કે INS સુરત જેવી અત્યાધુનિક વિનાશિકા સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધજહાજ છે. તેની ડિઝાઈનથી લઈને નિર્માણ સુધીના તમામ કાર્યો દેશમાં જ પાર પાડવામાં આવ્યા છે, જે દેશનું એન્જિનિયરિંગ કૌશલ્ય અને ઔદ્યોગિક જ્ઞાન કેટલી ઉચ્ચ કક્ષાનું છે એ દર્શાવે છે. 

‘આત્મનિર્ભરતા’ના પ્રતીકે સર્જ્યો રોજગાર

નૌકાદળની ‘આત્મનિર્ભરતા’ના પ્રતીક એવા આ જહાજના નિર્માણ દરમિયાન ખૂબ મોટી માત્રામાં રોજગારીનું સર્જન પણ થયું હતું. એને લીધે 200 થી વધુ ‘સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો’ (MSME)ને રોજગારી મળી હતી. 

રેકોર્ડ સમયમાં થયું નિર્માણ

કોઈપણ પ્રકારનું જહાજ બનાવવામાં ઘણો સમય લાગી જતો હોય છે. INS સુરતનું નિર્માણ ફક્ત 31 મહિનામાં પૂરું કરી દેવાયું છે, જે ભારતીય નૌકાદળની તવારીખમાં રેકોર્ડ છે. જહાજનું કામકાજ મે, 2022 માં શરૂ થયું હતું અને ડિસેમ્બર, 2024માં પૂરું કરી લેવાયું હતું. આ પ્રકારના જહાજના પરીક્ષણોમાં પણ ઘણા મહિના લાગી જતાં હોય છે. INS સુરતના પરીક્ષણો પણ છ મહિનાના રેકોર્ડ સમયમાં પૂરા કરી દેવાયા હતા. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ પણ આ ઝડપે આ પ્રકારના જહાજનું નિર્માણ એક અનોખી સિદ્ધિ ગણાય છે. 

ગુજરાતનું પ્રતીનિધિત્વ દર્શાવે છે INS સુરત

INS સુરતના ક્રેસ્ટ (જહાજના પ્રતીકચિહ્ન) પર ‘હજીરાની દીવાદાંડી’ અને ‘ગીરના સિંહ’ની છબિઓ દર્શાવવામાં આવી છે, જે ગુજરાતનું પ્રતીનિધિત્વ કરે છે. 1836માં બંધાયેલ હજીરાની દીવાદાંડી સમુદ્રની ‘પહેરેદાર’ તરીકે દેખાડી છે જ્યારે કે સિંહ વિનાશિકાની ‘આક્રમકતા’ અને ‘મજબૂતી’ દર્શાવે છે.

‘INS સુરત’ની પૃષ્ઠભૂમિ 

1990 ના દાયકાની શરૂઆતમાં ભારતીય નૌકાદળ દ્વારા ‘પ્રોજેક્ટ 15 ડિસ્ટ્રોયર’ નામનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત વિવિધ વિનાશિકા બનાવવામાં આવી છે. ‘INS સુરત’ પ્રોજેક્ટ 15ની છેલ્લી વિનાશિકા છે. છેલ્લા ત્રણ દાયકામાં આ પ્રોજેક્ટ હેઠળ દસ જહાજો બનાવવામાં આવ્યા છે. તમામના નામ ભારતના મુખ્ય શહેરો પરથી રાખવામાં આવ્યા છે. આ સન્માન મેળવનાર શહેરો છે દિલ્હી, મૈસુર, મુંબઈ, કોલકાતા, કોચી, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, મોર્મુગાઓ, ઈમ્ફાલ અને સુરત.

નાના જહાજથી લઈને તોતિંગ વિનાશિકા સુધીની સિદ્ધિ

ભારતની સ્વદેશી યુદ્ધ જહાજ બનાવવાની સફર ‘INS અજય’ નામના નાના જહાજથી શરૂ થઈ હતી, જે 1960માં બનાવાયું હતું. 1964માં નિર્માણ પામેલા સર્વેક્ષણ જહાજ ‘દર્શક’ પછી ભારતે સ્વદેશી જહાજો બનાવવાની દિશામાં ગતિ પકડી હતી. 60ના દાયકાના અંત સુધીમાં નીલગીરી વર્ગના જહાજો બનાવ્યા બાદ 80ના દાયકામાં ભારતે ગોદાવરી વર્ગના જહાજો બનાવી લીધા હતા. 1990ના દાયકામાં પ્રોજેક્ટ 15 હેઠળ બનેલ દિલ્હી વર્ગની વિનાશિકાઓ સાથે ભારતે વિશ્વ કક્ષાના જહાજ બનાવી લેવાની ક્ષમતા હાંસિલ કરી લીધી હતી. એ એક એવું જહાજ હતું જે વૈશ્વિક ધોરણો પર સો ટકા ખરું સાબિત થયું હતું. સફળતાની એ ગાથા આજે INS સુરત સુધી આવી પહોંચી છે. 

ભારતીય નૌકાદળનું અણમોલ નજરાણું 

અત્યાધુનિક ટેકનોલોજી અને શસ્ત્રોથી સજ્જ INS સુરત દેશના નૌકાદળનું અણમોલ નજરાણું બની રહેશે, એમાં કોઈ બે-મત નથી. મુંબઈમાં બનેલી આ સ્વદેશી વિનાશિકા ભારતની ક્ષમતા, પ્રગતી અને ગૌરવની હાકલ વિશ્વભરમાં કરશે. આ ‘મેડ ઈન ઈન્ડિયા’ જહાજ ખરા અર્થમાં ‘(બ્રિટિશ)રાજથી સ્વરાજ’ સુધીની સફરનું પ્રતીક છે.


Google NewsGoogle News