મુસ્લિમમાંથી હિન્દુ બન્યા, પછી બ્રાહ્મણમાંથી બની ગયા ઠાકુર, શું ભારતમાં કાયદો જાતિ બદલવાની છૂટ આપે છે?
Uttar Pradesh : યુ.પી. શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ ત્રણ વર્ષ પહેલા ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. નામ બદલીને તેમણે જીતેન્દ્ર નારાયણ ત્યાગી રાખ્યું હતું, અને બ્રાહ્મણ બની ગયા હતા. હવે ફરી તેમણે નામ બદલીને જીતેન્દ્ર નારાયણ સિંહ સેંગર કર્યું છે, જેને લીધે હવે તેમની ગણતરી બ્રાહ્મણને બદલે ઠાકુરમાં થશે. શું ખરેખર થશે? શું આ રીતે જાતિ બદલવાની છૂટ દેશનો કાયદો આપે છે?
શું જાતિ બદલી શકાય છે?
દેશનો કાયદો કોઈપણ વ્યક્તિને એનો ધર્મ કે આસ્થા બદલવાની છૂટ આપે છે, પરંતુ જાતિ બદલવાની છૂટ આપે છે ખરો? જવાબ છે, ના. 2016માં સુપ્રીમ કોર્ટે આ અંગે નિર્ણય જણાવ્યો હતો કે, દેશનો કાયદો કોઈપણ વ્યક્તિને એની જાતિ બદલવાની છૂટ આપતો નથી, કારણ કે જાતિ એ જન્મથી જોડાયેલી બાબત છે.
પંજાબી ગાયકનો બહુચર્ચિત કિસ્સો
વર્ષો અગાઉ પંજાબના પ્રખ્યાત ગાયક મોહમ્મદ સાદિકે ઇસ્લામ છોડીને શીખ ધર્મ સ્વીકાર્યો હતો. તેઓ પોતાની જાતને ડૂમ સમુદાયના ગણાવે છે, જે પંજાબની અનુસૂચિત જાતિ છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરતાં સાદિક કોંગ્રેસની ટિકિટ પર ભદૌર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. તેમની જીતને અકાલી દળના ઉમેદવાર દરબારા સિંહે દ્વારા એમ કહીને પડકારવામાં આવી હતી કે, ‘સાદિક મુસ્લિમ છે, તેથી તેઓ એસ.સી. માટેની અનામત બેઠક પરથી ચૂંટણી લડી શકે નહીં.’ મામલો પહેલાં હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.
આ પણ વાંચો : AMUથી માંડી મદરેસાઓ સુધી... નિવૃત્ત થતાં પહેલાં આ 5 મોટા ચુકાદા આપશે CJI ચંદ્રચૂડ
આ કેસમાં સુપ્રીમ કોર્ટે સાદિકના પક્ષમાં કહ્યું હતું કે, ‘ધર્મ બદલનાર વ્યક્તિએ પોતાનું નામ પણ બદલવું જ, એવું જરૂરી નથી. સાદિકે માત્ર ધર્મ બદલ્યો હતો, નામ કે ઓળખ નહીં, તેથી તેઓ એસ.સી. જ ગણાય. જરૂરી નથી કે જો કોઈ વ્યક્તિ બીજો ધર્મ અપનાવી રહ્યો હોય તો તેના સમગ્ર પરિવારે પણ તે ધર્મ અપનાવવો જ જોઈએ. વ્યક્તિ તેનો ધર્મ અને માન્યતા બદલી શકે છે, પરંતુ તેની જાતિ નહીં, કારણ કે જાતિનો સંબંધ જન્મ સાથે છે.’
જ્ઞાતિ નહીં, પણ અટક બદલી શકાય
ગયા વર્ષે એક જુદો મામલો દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. સી.બી.એસ.ઈ.ના બે વિદ્યાર્થીઓએ તેમના 10મા અને 12માના સર્ટિફિકેટમાં તેમના પિતાની અટક બદલવા માટે અરજી કરી હતી. સી.બી.એસ.ઈ.એ એમની અરજી ફગાવી દેતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સગા ભાઈ એવા એ બંને વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેમની અટકના કારણે તેમને જાતિય ઉત્પીડનનો સામનો કરવો પડે છે, માટે તેઓ અટક બદલવા માંગે છે.
આવો નિર્ણય આપ્યો હતો હાઈકોર્ટે
આ કેસમાં હાઈકોર્ટે સી.બી.એસ.ઈ.ને સર્ટિફિકેટમાં અટક બદલવાનો આદેશ આપતાં કહ્યું હતું કે, ‘જો કોઈ વ્યક્તિ ભેદભાવથી બચવા માટે તેની જાતિ જાહેર કરવા ન ઈચ્છતી હોય તો એ તેનો અધિકાર છે. અટક બદલવાથી તેમને સમાજમાં પ્રતિષ્ઠિત અને સન્માનજનક ઓળખ મળતી હોય તો એમ કરવાની એને પૂરી છૂટ છે. અલબત્ત, અટક બદલવાથી તેની જાતિ બદલાશે નહીં.’
ધર્મ બદલાય ત્યારે જાતિનું શું થાય?
જો કોઈ વ્યક્તિ હિંદુમાંથી મુસ્લિમ કે ખ્રિસ્તી બને, તો એ ધર્મોમાં જાતિનો બહુ મુદ્દો નથી બનતો. અનુસૂચિત જાતિના લોકો અસ્પૃશ્યતા જેવી વ્યવસ્થામાંથી બહાર આવવા માટે ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મ સ્વીકારતા હોય છે, કારણ કે ઈસાઈ અને ઈસ્લામી સમાજના લોકોને પછાતપણા અને જાતિ આધારિત અસમાનતાનો સામનો કરવો પડતો નથી. અલબત્ત, દલિત કે આદિવાસી વ્યક્તિ મુસ્લિમ કે ઈસાઈ બને છે તો પછી તે અનામતનો લાભ મેળવવા પાત્ર રહેતો નથી.
આ કારણસર અનામતનો લાભ મળતો નથી
1950નો ‘રાષ્ટ્રપતિ આદેશ’ (પ્રેસિડેન્શિયલ ઓર્ડર) કહે છે કે ફક્ત હિન્દુ, બૌદ્ધ અને શીખ દલિતો જ અનુસૂચિત જાતિ માટે અનામતનો લાભ મેળવી શકે છે, અન્ય કોઈ ધર્મના લોકો નહીં.
કોર્ટમાં અટવાયેલો મુદ્દો
ઉપરોક્ત આદેશને ગેરબંધારણીય કહીને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ધર્મ બદલીને મુસ્લિમ અને ખ્રિસ્તી બનેલા દલિતોને પણ અનામતનો લાભ મળવો જોઈએ, એવી માંગણી કરવામાં આવી છે. મામલો કોર્ટમાં અટકેલો છે.
‘ઘર વાપસી’ કરનારનું શું?
2015 માં સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે, જો ધર્મ પરિવર્તન કરનાર કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલીને ફરી તેના જૂના ધર્મમાં પાછો આવે છે, તો તેને તેની જાતિ પણ પાછી મળશે. પરંતુ એવી વ્યક્તિએ સાબિત કરવું પડશે કે તેના પૂર્વજો એ જ જાતિના હતા. આ ઉપરાંત તેણે એ પણ સાબિત કરવું પડશે કે તેની ‘ઘર વાપસી’ પછી તેના સમુદાય દ્વારા તેને સ્વીકારી લેવામાં આવ્યો છે.