2025-26થી ધો. 10 અને 12ની પરીક્ષા બે વાર આપવાનો વિકલ્પ અપાશે

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
2025-26થી ધો. 10 અને 12ની પરીક્ષા બે વાર આપવાનો વિકલ્પ અપાશે 1 - image


- કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત

- વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રાખવા, ગુણવત્તાથી સમુદ્ધ કરવા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવાનો ઉદ્દેશ

નવી દિલ્હી : શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા બે વાર આપવાનો વિકલ્પ આપવામાં આવશે તેમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું છે. શિક્ષણ પ્રધાન છત્તીસગઢમાં પીએમ શ્રી (પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા) યોજના શરૂ કરવાના પ્રસંગે એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં હતાં.

આ યોજના હેઠળ રાજ્યની ૨૧૧ શાળાઓનો પુન : વિકાસ કરવામાં આવશે. આ  કાર્યક્રમનું આયોજન રાયપુરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહમાં કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષા નીતિ હેઠળ કેન્દ્રની યોજના પર પ્રકાશ નાખતા પ્રધાને જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬થી વિદ્યાર્થીઓને ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરીક્ષામાં બે વાર આપવાની તક મળશે.

તેમણે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રાખવા, ગુણવત્તાથી સમુદ્ધ કરવા, સંસ્કૃતિથી જોડાયેલા રાખવા અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવા છે તથા આ જ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત દેશ બનાવવાનો સુત્ર છે.

પ્રધાને રાજ્યની પૂર્વ કોંગ્રેસ સરકારની પણ ટીકા કરતા જણાવ્યું હતું કે પાછલી સરકારમાં શિક્ષા પ્રાથમિકતાનો વિષય ન હતો. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે પીએમ શ્રી યોજનાના પ્રથમ તબક્કામાં છત્તીસગઢમાં ૨૧૧ શાળાઓ (૧૯૩ પ્રાથમિક સ્તર અને ૧૮ માધ્યમિક શાળાઓ)ને હબ અને સ્પોક મોડલ પર વિકસિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ પ્રધાન બૃજમોહન અગ્રવાલની માગ અનુસાર યોજનાના આગામી તબક્કામાં વધારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને યોજનાના દાયરામાં લાવવામાં આવશે.


Google NewsGoogle News