મણિપુરમાં ફરી હિંસા, જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે ફાયરિંગ, ત્રણના મોત, પાંચને ઈજા, કલમ 163 લાગુ
Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી છે. રાજ્યના ઉખરુલ શહેરમાં જમીન વિવાદમાં બે જૂથો વચ્ચે ગોળીબાર થતા ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. આ વિવાદમાં ફરજ પર હાજર મણિપુર રાઈફલ્સના એક જવાનનું પણ મોત થયું છે. હાલ આ વિવાદ ગંભીર બનતા વિસ્તારમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે અને એક દિવસ માટે ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
હકિકતમાં, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઉખરૂલ શહેરમાં એક પ્લોટની સફાઈ કરવાની હતી. આ બાબતે બુધવારે (2 ઓક્ટોબર) બે જૂથ સામસામે આવી ગયા હતા. જે બાદ વિવાદ વધતા તેમની વચ્ચે ગોળીબાર પણ થયો હતો. જેમાં ફરજ પર હાજર મણિપુર રાઈફલ્સના જવાન સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ વિવાદ અંગે પોલીસે કહ્યું છે કે, બંને પક્ષો નાગા સમુદાયના છે અને તેઓ જુદા જુદા ગામના રહેવાસી છે.
બંને પક્ષોનો જમીન પર દાવો
પોલીસે કહ્યું કે, 'બંને પક્ષો દાવો કરે છે કે જમીન તેમની છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લામાં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખ વારિન્મી થુમરા, સિલાસ જિંગખાઈ અને રિલીવુંગ હોંગરે તરીકે થઈ છે. થુમરા મણિપુર રાઈફલ્સના સૈનિક હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમને ત્યાં તહેનાત કરવામાં આવ્યા હતા.'
ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ
આ વિવાદમાં ઘાયલ થયેલા બે લોકો ઇમ્ફાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઉખરુલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે સમુદાયના પ્રતિનિધિઓએ ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમજ આ મુદ્દાને વાટાઘાટો દ્વારા ઉકેલવા જણાવ્યું છે. હાલ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને BNSSની કલમ 163 લાગુ કરી એક સાથે પાંચ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે.