Get The App

સિત્તેર વર્ષથી મોટા સિટીઝનને પાંચ લાખ સુધીની સારવાર મફત

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
સિત્તેર વર્ષથી મોટા સિટીઝનને પાંચ લાખ સુધીની સારવાર મફત 1 - image


- આયુષ્યમાન કાર્ડ મારફત આવકની મર્યાદા વિના ગરીબ, મધ્યમ અને ઉચ્ચ દરેક વર્ગના વૃદ્ધો સારવાર કરાવી શકશે

- આયુષ્યમાન વય વંદના કાર્ડ મારફત દેશના 4.6 કરોડ પરિવારોના 6 કરોડથી વધુ વૃદ્ધોને મફત સારવારનો લાભ મળશે : દિલ્હી-બંગાળના વૃદ્ધો યોજનાથી વંચિત

- બીઆઈએસ પોર્ટલ પર આયુષ્યમાન એપના માધ્યમથી આધાર કાર્ડ અપડેટ અને કેવાયસી કરી કાર્ડ મેળવી શકાશે

નવી દિલ્હી : દેશમાં મંગળવારે ધનતેરસના તહેવારથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધો લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે આયુષ્માન ભારત સુવિધાની દિવાળી ભેટ આપી છે. આ સુવિધા હેઠળ હવે ૭૦થી વધુ વયના લોકો પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવારનો લાભ મેળવી શકશે. પીએમ મોદીએ મંગળવારે આયુષ્યમાન યોજનાના નવા તબક્કા આયુષ્યમાન ભારત 'નિરામયમ'ની શરૂઆત કરી છે. આ સાથે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા રૂ. ૧૨,૮૫૦ કરોડના પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો હતો.

દેશમાં ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો લાંબા સમયથી આયુષ્યમાન ભારત હેઠળ મફત સારવારનો લાભ મેળવવા માગણી કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય (એબીપીએમ-જેએવાય) ૭૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો સુધી લંબાવી છે. આ યોજનાની શરૂઆત નવમા આયુર્વેદ દિવસ અને હિન્દુ ચિકિત્સાના દેવ ધન્વંતરીની જન્મજયંતિએ કરાઈ છે. આ યોજનાની જાહેરાત ગયા મહિને કરી દેવાઈ હતી. 

એબીપીએમ-જેએવાય હેઠળ હવે ૭૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો પાંચ લાખ રૂપિયા સુધી માત્ર સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર મેળવી શકશે. આ યોજનાનો લાભ દેશના અંદાજે ૪.૫ કરોડ પરિવારોના ૬ કરોડથી વધુ વૃદ્ધોને મળશે. અત્યાર સુધી આ યોજનામાં ઓછી આવકવાળા પરિવારોનો જ સમાવેશ કરાયો હતો. હવે વૃદ્ધો માટે શરૂ કરાયેલી આ યોજનામાં કોઈ આવક મર્યાદા નહીં હોય. 

આ યોજના હેઠળ વૃદ્ધોને વિશેષ આયુષ્યમાન વય વંદના કાર્ડ અપાશે, જે ફેમિલી આયુષ્યમાન પ્લાનથી અલગ હશે. આ યોજના સિમાચિહ્નરૂપ સાબિત થશે. આ વિશેષ કાર્ડ આજે ૨૯ ઑક્ટોબરથી આપવાનું શરૂ કરાયું છે. પીએમ મોદીએ મંગળવારે એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના દેવરિયાના લાભાર્થી પંચાનન શુક્લાને પહેલું આયુષ્યમાન વય વંદના કાર્ડ આપ્યું હતું. વૃદ્ધો માટેના આ વિશેષ આયુષ્યમાન કાર્ડ બીઆઈએસ પોર્ટલ પર આયુષ્યમાન એપના માધ્યમથી બનશે, તેના માટે વૃદ્ધોએ તેમના આધાર કાર્ડ અપડેટ અને કેવાયસી પણ કરાવવાનાં રહેશે. તેમની પાસે ખાનગી અને આયુષ્યમાન ભારત સ્કીમ બંને વીમામાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન યોજનાના વિસ્તરણની બધા જ વૃદ્ધો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવાતા ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્યમાન યોજનાના દાયરામાં લાવવાની ચૂંટણી ગેરેન્ટી પૂરી કરાઈ રહી છે. મોદીએ આ વાત પર પ્રકાશ પાડતા કહ્યું કે, આ કાર્ડ યુનિવર્સલ છે. આવક પર કોઈ મર્યાદા નથી. ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે ધનિક વર્ગ, વૃદ્ધો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ સ્વાસ્થ્યનો ખર્ચ ઘટાડશે. જોકે તેમણે ઉમેર્યું કે, મને કહેતા ખેદ થાય છે કે આ યોજના સમગ્ર દેશમાં લાગુ થશે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય.

સુપર સિનિયર સિટીઝન્સને કેન્દ્ર સરકારે વિશેષ લાભ આપ્યો

એંસી વર્ષથી મોટી વયના પેન્શનર્સને સ્પેશિયલ ભથ્થું આપવામાં આવશે

- 85 વર્ષ સુધીના સુપર સિનિયર સિટીઝનના પેન્શનની વર્તમાન રકમમાં 20 ટકા ઉમેરો કરવામાં આવશે

 અમદાવાદ : કેન્દ્ર સરકારે ૮૦ વર્ષથી મોટી વયના સરકારી નોકરી કરીને પેન્શનર્સ બનેલા સુપર સિનિયર સિટીઝન્સને વધારાનું સ્પેશિયલ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. ૮૦ વર્ષથી મોટી વયના નાગરિકોને આજની તારીખે મળતા કુલ ભથ્થાના ૨૦ ટકા જેટલું વધારાનું ભથ્થું આપવામાં આવશે. અનુકંપાને ધોરણે દર મહિને તેમને વધારાનું સ્પેશિયલ ભથ્થું આપવામાં આવશે. હા, માત્ર સરકારી નોકરિયાતોને જ તેનો લાભ મળશે.

આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સીસીએસ - પેન્શન રૂલ્સ ૨૦૨૧ના પેટા નિયમ નંબર ૬માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સિનિયર સિટીઝન ૮૦ વર્ષની વય વટાવી જાય અને સુપર સિનિયર સિટિઝન બને તે પછી તેમને પેન્શન ઉપરાંત અનુકંપાને ધોરણએ વિશેષ ભથ્થું આપવામાં આવે છે. આ રકમ વધારાના પેન્શન કે પછી સ્પેશિયલ ભથ્થા તરીકે આપવામાં આવે છે.

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ૮૦ વર્ષથી મોટા અને ૮૫ વર્ષથી નાના સુપર સિનિયર સિટીઝન્સને તેમના વર્તમાન ભથ્થાના ૨૦ ટકા વધારાનું ભથ્થું આપવામાં આવશે. ૮૫ વર્ષથી મોટા અને ૯૦ વર્ષથી નાના સુપર સિનિયર સિટીઝન્સને તેમના વર્તમાન પેન્શનના ૩૦ ટકા રકમ વધારાના ભથ્થા તરીકે આપવામાં આવશે. તેમ જ ૯૦ વર્ષથી મોટા અને ૯૫ વર્ષથી નાના સુપર સિનિયર સિટીઝન્સને તેમના વર્તમાન પેન્શનની રકમના ૪૦ ટકા રકમ સ્પેશિયલ ભથ્થા તરીકે આપવામાં આવશે. ૯૫ વર્ષથી મોટા અને ૧૦૦ વર્ષથી નાના સુપર સિનિયર સિટીઝન્સના પેન્શનની રકમમાં ૫૦ ટકા સુધીનો વધારો થશે. સો વર્ષથી મોટી વયના સુપર સિનિયર સિટીઝન્સના પેન્શનમાં ૧૦૦ ટકાનો વધારો થશે.

પેન્શનર સુપર સિનિયર સિટીઝન જે તારીખથી બનશે તે મહિનાની પહેલી તારીખથી તેને સ્પેશિયલ ભથ્થાનો લાભ આપવામાં આવશે. ઉદાહરણ આપીને વાત કરીએ તો એક પેન્શનરનો જન્મ દિવસ ૧૫મી માર્ચે આવતો હોય અને તે દિવસે તેના ૮૦ વર્ષ પૂરા થતા હોય અને ૮૧માં વર્ષમાં તે પ્રવેશતા હોય તો તેમને પહેલી માર્ચથી સુપર સિનિયર સિટીઝન તરીકેના તેમના વર્તમાન પેન્શનની રકમના વધારાની ૨૦ ટકા રકમ સ્પેશિયલ ભથ્થા કે વધારાના પેન્શન તરીકે આપવામાં આવશે. ૧૯૪૪ની પંદરમી ઓક્ટોબરે જન્મેલા નાગરિકને પહેલી ઓક્ટોબર ૨૦૨૪થી સુપર સિનિયર સિટીઝન્સ તરીકેનું સ્ટેટસ મળશે અને તેને તેના વર્તમાન પેન્શનની રકમના ૨૦ ટકા જેટલું વધારાનું પેન્શન મળશે.


Google NewsGoogle News