સરકારની 170 યોજનાથી પણ ચડિયાતી સાબિત થશે ‘મફત અનાજ’ સ્કીમ, શું ચૂંટણીમાં પણ થશે ફાયદો?
81.35 કરોડ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળે છે
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે એટલે કે આજે મોદી સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી દીધું. આ મોદી સરકારનું છઠ્ઠું બજેટ હતું. ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે. જેમાં મોદી સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)માટે રૂપિયા 2.05 લાખ કરોડની જોગવાઈ કરી છે, જે સરકારની 170 કલ્યાણકારી યોજનાઓમાં સૌથી વધું છે.
'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' પ્રથમ વખત માત્ર ત્રણ મહિના માટે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોના મહામારી દરમિયાન લોકડાઉન બાદ તે જૂન 2020 સુધી ચાલવાનું હતું. પરંતુ, ત્યારથી આ યોજનાનો સતત વિસ્તાર કરવામાં આવ્યો છે.
મફત અનાજ યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે
નવેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ને 1 જાન્યુઆરી, 2024થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
આ યોજનાનો લાભ 81.35 કરોડ લાભાર્થીઓને મળે છે
લગભગ 81.35 કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. તેના માટે આગામી પાંચ વર્ષમાં લગભગ 11.80 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ યોજનાનો લાભ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 (NFSA) હેઠળ રેશન કાર્ડધારકોને ઉપલબ્ધ છે.
વર્ષ 2023-24ના બજેટમાં NFSA હેઠળ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની ફૂડ સબસિડી લગભગ રૂપિયા 1.97 કરોડ હતી. મોદી સરકારે ચૂંટણી વર્ષમાં મફત અનાજ યોજનાની ફાળવણીમાં વધારો કર્યો છે, પરંતુ અન્ય યોજનાઓ તેનાથી પાછળ રહી ગઈ છે.