Get The App

રેપ પીડિતાને સારવારની ના પાડવી ગુનો દેશની તમામ હોસ્પિટલો બંધાયેલી

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
રેપ પીડિતાને સારવારની ના પાડવી ગુનો દેશની તમામ હોસ્પિટલો બંધાયેલી 1 - image


- એસિડ હુમલો, પોક્સો, રેપ, ગેંગરેપ શારીરિક શોષણની પીડિતાઓને મફત સારવારનો અધિકાર 

- કેન્દ્ર-રાજ્યો સંચાલિત અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, નર્સિંગ હોમ્સ તમામે આદેશનું પાલન કરવું ફરજિયાત : દિલ્હી હાઇકોર્ટ

- સુવિધા સ્થળે પીડિતાઓને મફત સારવાર મળી રહી છે તેવું બોર્ડ લગાવવું પડશે, સારવારમાં આનાકાની કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે 

- હાઇકોર્ટના આદેશની કોપી તમામ પોક્સો, ક્રિમિનલ, ફેમિલી કોર્ટોને મોકલવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટતા કરી હતી કે રેપ, એસિડ હુમલાની પીડિતાઓને મેડિકલ સારવાર આપવાની ના પાડવી એક ગુનો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે દેશની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો કાયદાની જોગવાઇથી બંધાયેલી હોવાથી રેપ પીડિતા કે એસિડ હુમલાનો ભોગ બનેલી પીડિતાઓને સારવાર આપવાથી દૂર ના ભાગી શકે. આ સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર-રાજ્ય સરકારની તેમજ ખાનગી હોસ્પિટલો રેપ-એસિડ હુમલાની પીડિતાઓને મફતમાં સારવાર આપે. મફત સારવાર મળવી તે આવી પીડિતાઓનો અધિકાર છે. 

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ પ્રતિભા એમ. સિંહ અને ન્યાયાધીશ અમિત શર્માની બેંચે રેપના મામલાની સુનાવણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે રેપ, એસિડ હુમલો, શારીરિક શોષણ, પોક્સો હેઠળ આવતી પીડિતાઓ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સમાં મફત સારવાર મેળવવાનો અધિકાર ધરાવે છે. કેન્દ્ર-રાજ્ય સરકારના ફંડથી ચાલતી તેમજ ખાનગી હોસ્પિટલોએ, ક્લિનિક્સ, નર્સિંગ હોમ્સે આ આદેશનુ ફરજિયાત પાલન કરવાનું રહેશે અને આવી પીડિતાઓ સારવારથી વંચિત ના રહી જાય તેની તકેદારી રાખવાની રહેશે.

એટલુ જ નહીં હાઇકોર્ટે સારવાર અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે સારવાર એટલે પ્રાથમિક સારવાર, ઇમ્પેશન્ટ કેર, આઉટપેશન્ટ ફોલો-અપ્સ, ડાયગ્નોસ્ટિક, લેબોરેટરી ટેસ્ટ, જરૂર પડે તો સર્જરી, શારીરિક અને માનસિક કાઉન્સેલિંગ, માનસિક સાથ સહકાર, ફેમેલી કાઉન્સેલિંગનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારની સારવાર પીડિતાઓને આપવાની જોગવાઇ ભારતીય ન્યાય સંહિતા કે સીઆરપીસીમાં છે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તેની ગાઇડલાઇન પણ જાહેર કરાઇ હોવા છતા રેપ, એસિડ હુમલા કે પોક્સોના મામલાઓમાં પીડિતાઓએ મફત સારવાર મેળવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ સાથે જ દિલ્હી હાઇકોર્ટે પોતાના આ ચુકાદાને પોક્સો સહિતની રેપ તેમજ શારીરિક શોષણના મામલાઓના કેસોની સુનાવણી કરી રહેલી કોર્ટોને આદેશની કોપી મોકલવા, ક્રિમિનલ કોર્ટો ફેમેલી કોર્ટોને પણ કોપી આપવા આદેશ આપ્યો છે. તમામ હોસ્પિટલો કે મેડિકલ ફેસિલિટીના સ્થળે રેપ, ગેંગરેપ, શારીરિક શોષણ, એસિડ હુમલાની પીડિતાઓને મફત સારવાર મળી રહી છે તેનું બોર્ડ પણ લગાવવાનું રહેશે. આ બોર્ડ એન્ટ્રન્સ અને રિસેપ્શન કાઉન્ટર્સ પર અંગ્રેજી અને સ્થાનિક માતૃ ભાષામાં લોકોને વંચાય તે રીતે રાખવાનું રહેશે. તમામ ડોક્ટરો, નર્સ, મેડિકલ સુવિધા આપનારા સ્ટાફે પોક્સો અને બીએનએસ કાયદાની જોગવાઇઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું જોઇએ. જો એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં પીડિતાને લઇ જવાનું થાય તો એમ્બ્યુલંસ સુવિધા (જરૂર પડે તો) પુરી પાડવાની રહેશે, સાથે જ મફત સારવારનું સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. જો પીડિતાઓને સારવાર આપવાની ના પાડવામાં આવી તો પોલીસ દ્વારા તાત્કાલીક જવાબદાર સામે બીએનએસની કલમ ૨૦૦ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે.  


Google NewsGoogle News