દિવાળીએ મફત LPG સિલિન્ડરની 'ભેટ', કેન્દ્ર સરકારની આ યોજનાના લાભાર્થીઓ માટે ગુડ ન્યૂઝ!
Free LPG Cylinder On Diwali : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ તહેવારને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યો મફત LPG સિલિન્ડર વિતરણ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશ સરકારે દિવાળી પર રાજ્યના 1.86 કરોડ પરિવારોને મફત LPG સિલિન્ડરનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે.
વિવિધ રાજ્ય સરકારે મફત LPG સિલિન્ડરનું વિતરણ કરવાની જાહેરાત કરી
આ જ રીતે આંધ્ર પ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ પણ મફત LPG સિલિન્ડરનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશમાં તમામ પાત્ર મહિલાઓને 31મી ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસથી મફત LPG સિલિન્ડર મળવાનું શરૂ થશે. તેવી જ રીતે ઉત્તરાખંડમાં સરકાર દ્વારા મફત LPG સિલિન્ડર આપવાની યોજનાને વર્ષ 2027 સુધી લંબાવી દીધી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
મોટા ભાગના રાજ્યોમાં મફત LPG સિલિન્ડરનો લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(પીએમયૂવાઈ)ના લાભાર્થીઓને મળે છે. પીએમ ઉજ્જવલા યોજનાની શરૂઆત વર્ષ 2016માં થઇ હતી. આ યોજના અંતર્ગત વર્ષ સપ્ટેમ્બર, 2019 સુધીમાં 8 કરોડ કનેક્શન આપવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. બીજા બાકી રહેલા ગરીબ પરિવારો માટે પીએમયૂવાઈ ફેઝ-2(ઉજવ્વલા 2.0)ની શરૂઆત ઓગસ્ટ 2021માં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મુંબઈમાં બાંદ્રા ટર્મિનસ સ્ટેશનમાં નાસભાગ, 9 મુસાફરો ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી, 2 ગંભીર
જુલાઈ 2024 સુધીમાં 10.33 કરોડ LPG કનેક્શન અપાયા
તે જ સમયે જાન્યુઆરી 2023 સુધી 1.60 કરોડ ઉજ્જવલા 2.0 કનેક્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે સપ્ટેમ્બર 2023માં વધારાના 75 લાખ પીએમયૂવાઈ કનેક્શન્સ આપવાની મંજૂરી આપી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 8 જુલાઈ 2024 સુધીમાં આ 75 લાખ પીએમયૂવાઈ કનેક્શન્સન આપવાનું કામ પૂરું કર્યું હતું. જુલાઈ 2024 સુધીમાં પીએમયૂવાઈ હેઠળ 10.33 કરોડ LPG કનેક્શન અપાયા છે.
લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા થાય છે સબસિડી
સામાન્ય ગ્રાહકો કરતાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 300 રૂપિયા સસ્તું સિલિન્ડર મળે છે. સરકારે આ વર્ષે માર્ચમાં માર્ચ 2025 સુધી 14.2 કિલોગ્રામ સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. નાણાકીય વર્ષ 2024-25 માટે કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયા રહેશે. સબસિડી લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.