ટ્રાઈ, પોલીસ, CBI, કોર્ટ બધુ નકલી પણ ઠગાઈ અસલી! બેંગ્લુરુવાસી સાથે 59 લાખના ફ્રોડનો અનોખો કેસ
Fraud Case In Bengaluru: બેંગ્લુરુમાં એક જબરદસ્ત છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આખી નકલી પોલીસ, નકલી સીબીઆઈ ફોન પર હતી, પરંતુ આખેઆખી નકલી કોર્ટ પણ ઊભી કરી દેવાઈ હતી.આ ઉપરાંત 59 લાખ રૂપિયાની છેતરપિંડી રાતોરાત કરવામાં આવી હતી. હિન્દી ફિલ્મને પણ ટક્કર મારે એ રીતે ફ્રોડ કરાયો હતો.
બનાવટી વર્ચ્યુઅલ કોર્ટ ઊભી કરીને ચુકાદો પણ અપાયો
બેંગ્લુરુના રહેવાસી રાવ બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેઓ 12મી સપ્ટેમ્બરે ઘરે હતા ત્યારે ફોન રણક્યો. ફોન કોઈ અજાણ્યા નંબર પરથી હતો. રાવે ફોન ઉઠાવતા ફોનના બીજા છેડા પરના શખ્સે જણાવ્યું કે, 'હું ટ્રાઇમાંથી વાત કરી રહ્યો છું. કેવાયસી સાથે જોડાયેલી છેતરપિંડીને લઈને તમારો મોબાઇલ નંબર બંધ કરવામાં આવી રહ્યો છે.' આ સાંભળતા જ રાવ હેરાન થઈ ગયા.
પોતાને ટ્રાઇના અધિકારી બતાવતા શખ્સે જણાવ્યું હતું કે, 'આ મામલાની તપાસ થઈ રહી છે અને તમારો કોલ ડાઇવર્ટ કરવામાં આવશે.' શખ્સે રાવને 9 નંબર દબાવવા જણાવ્યું હતું. રાવે જેવો નવ નંબર દબાવ્યો તેનો કોલ બીજા નંબર પર ડાઇવર્ટ થઈ ગયો.
આ નવા વ્યક્તિએ પોતાને મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી ગણાવ્યો. તેણે રાવને જણાવ્યું કે, 'તમારો આધાર કાર્ડનો ઉપયોગ એક એવા જ બેન્ક ખાતા માટે થયો છે. જ્યાંથી મની લોન્ડરિંગ કરવામાં આવી રહી હતી.' તેણે રાવ પાસેથી કેટલીક વિગતો લીધી અને કોલને ત્રીજા નંબર પર ડાઇવર્ટ કરી દીધો. ત્યારબાદ કોલને ત્રીજા વ્યક્તિ પાસે ડાઇવર્ટ કરવામાં આવ્યો.
આ ત્રીજી વ્યક્તિએ પોતાને સીબીઆઈનો અધિકારી બતાવતા જણાવ્યું હતું કે, 'તમારા નામે એફઆઇઆર નોંધાઈ ચૂકી છે અને તમારા જેલ પણ જવું પડી શકે છે. હમણા થોડા જ સમયમાં તમારી કોર્ટમાં વર્ચ્યુઅલ પેશગી થશે.' રાવ પાસે આ સમયે જેલ જવામાંથી બચવા સિવાય કોઈ બીજો વિચાર આવતો ન હતો. ત્યારબાદ રાવને વીડિયો કોલ કરવાનું કહેવામાં આવ્યો.
રાવે વીડિયો કોલ કરીને જોયું તો રીતસરનો કોર્ટરૂમ જેવો માહૌલ હતો. રાવ ચૂપ હતા અને બીજી બાજુએ કેટલીક કાર્યવાહી ચાલી રહી હતી.
થોડા સમય પછી કોર્ટે એક ચુકાદો આપ્યો, જેના હેઠળ રાવને બેન્ક ખાતામાં જમા રકમ, ફિકસ્ડ ડિપોઝિટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. રાવને જણાવવામાં આવ્યું કે આ રકમની તપાસ થશે અને તેના પછી તે રકમ તેને પરત કરાશે. રાવને જેમ કરવાનું કહેવામાં આવ્યું તે કરતા ગયા. આ 59 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા પછી રાવને કહેવાયું કે જ્યાં સુધી તપાસ પૂરી થશે નહીં ત્યાં સુધી તે ડિજિટલ દેખરેખ હેઠળ રહેશે. તે રાતભર વીડિયો કોલ પર રહ્યા, પરંતુ બીજી તરફથી કોઈ અવાજ આવી રહ્યો ન હતો. તેમણે પછી શરૂઆતના નંબર પર ફોન મિલાવ્યો તો તે બંધ થઈ ચૂક્યો હતો.
રાવ સમજી ગયા કે તેમની સાથે ઠગાઈ થઈ છે. તે તરત જ પોલીસ સ્ટેશન ગયા અને ફરિયાદ નોંધાવી. રાવની ફરિયાદના પગલે સાઇબર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બેંગ્લુરુ પોલીસે તે ખાતા ફ્રીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમા રાવે રકમ ટ્રાન્સફર કરી હતી. પોલીસ તે નંબરો પણ ચકાસી રહી છે જેના પરથી રાવને ત્યાં ફોન આવ્યા હતા.