બાબાના કાફલાના કારણે સર્જાયું મોતનું તાંડવ, હાથરસ દુર્ઘટનામાં સર્જાયેલી નાસભાગની ચાર થિયરી
Four Theories of Hathras Disaster: ઉત્તર પ્રદેશના હાથરસમાં બાબા ભોલેના સત્સંગમાં મચેલી નાસભાગમાં 121 લોકોના મોત થતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે. જો કે તેમણે એક વકીલ થકી પત્ર જાહેર કરીને પહેલું નિવેદન પણ કરી દીધું છે. ત્યારે આપણે વાત કરીએ, આખરે આ દુર્ઘટના સર્જાઈ કેવી રીતે. અત્યાર સુધી ઘણાં બધા ઘટસ્ફોટ થયા છે, જેના આધારે આપણે અહીં ચાર થિયરીની વિસ્તૃત ચર્ચા કરીશું.
સત્સંગમાં થયેલી નાસભાગની ચાર થિયરી
થિયરી 1
સત્સંગમાં હાજર કેટલાંક લોકોના કહેવા પ્રમાણે, સત્સંગ પૂરો થતાં લોકો ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ગાય આવી જતા બાળકો અને મહિલાઓ ગભરાઈ ગયા અને તેમણે ભાગવાનું શરુ કરી દીધું. આ પછી ગાય આવ્યાંની અફવા ફેલાતા સત્સંગમાં નાસભાગ થઈ હતી અને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા.
થિયરી 2
એવી પણ વાત છે કે, સત્સંગ પૂરો થતા બાબાના કાફલાને જવા દેવા માટે શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યાં હતા. જેમાં બાબાના સુરક્ષાકર્મી સાથે શ્રદ્ધાળુઓની જૂથ અથડામણ થતાં ઝઘડો થયો હતો અને પછી ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા.
થિયરી 3
આ ઘટનાને લઈને કેટલાંક લોકોએ સત્સંગ હૉલમાંથી બહાર નીકળવાનો દરવાજો ખૂબ નાનો હોવાનું જણાવ્યું હતું. સત્સંગમાં બેસવા સહિતની સુવિધા ઉપલબ્ધ હતી પરંતુ હોલની બાજુમાં બેઠેલા લોકોને જવા માટેનો પ્રવેશદ્વાર સાંકડો હતો. તેવામાં હોલની બાજુમાં આવેલા ગેટથી નીકળવાની કોશિશ કરતાં લોકો એકબીજા પર પડતાં ધક્કામુક્કી થઈ અને પછી નાસભાગ મચી ગઈ હતી.
થિયરી 4
આ સિવાય ભાગદોડનું એક કારણ સામે આવ્યું છે કે, બાબા જ્યારે સત્સંગ પૂરો કરીને જતા હતા ત્યારે કેટલીક મહિલા બાબાની ચરણરજ લેવા નજીક પહોંચી હતી. આમ બાબાને મળવા ધક્કામુક્કી કરતી મહિલાઓને કારણે સત્સંગમાં નાસભાગ સર્જાઈ હતી. આ દરમિયાન કેટલીક મહિલાઓ અને બાળકો જમીન પર પડી જતા તે કચડાઈ ગયા હતા. ત્યારે નાના હૉલમાં ગુંગળાઈ જવાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેઓ મૃત્યુ પામ્યા હતા.
ભલભલાના રુવાડાં ઊભા કરી દે તેવો નજારો
આ ઘટનામાં હાથરસ સહિતના વિસ્તારોના દવાખાના અને હોસ્પિટલોના દૃશ્યો ભલભલાના રુવાડાં ઊભા કરી નાખે તેવો હતો. દરેક જગ્યાએ લોકોના મૃતદેહ પડેલા હતા. જે લોકો બચી ગયા હતા તે પોતાના સ્વજનોની શોધ કરી રહ્યાં હતા. જમીન પર પડેલા મૃતદેહ જોઈને લોકો ચોંકી ઉઠ્યાં હતા. આ સ્થિતિમાં રવિ યાદવ નામના એક પોલીસકર્મીનું હાર્ટએટેકથી મોત થયું હતું.
પોસ્ટરમાં લખ્યું હતું કે 'સોચ કર દેખો, સાથ ક્યાં જાયેગા?'
બાબાના સત્સંગનું આયોજન છેલ્લા કેટલાંય દિવસથી ચાલી રહ્યું હતું. જેને લઈને અનેક વિસ્તારોમાં તેના પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતા. જેમાં લખ્યુ હતું કે, 'સોચ કર દેખો, સાથ ક્યાં જાયેગા?' પરંતુ સત્સંગમાં હાજર રહેનારા લોકોને ક્યાં કઈ ખબર હતી કે તેમનું આ સત્સંગમાં આવવું દુનિયામાંથી જવાનું કારણ બની જશે. મળતી માહિતી પ્રમાણે, તંત્રને બાબાના આ કાર્યક્રમની જાણકારી હતી, પરંતુ કેટલાક શ્રદ્ધાળુઓ સત્સંગમાં આવશે તેનો કોઈ અંદાજ ન હતો. જ્યારે સત્સંગમાં સવા લાખથી વધુ લોકો આવ્યાં હતા.