મહારાષ્ટ્રમાં 4 નક્સલવાદીઓ ઠાર, મોટા હૂમલાની ફિરાકમાં હતા, AK-47 સહિત અનેક હથિયારો જપ્ત
આજે વહેલી સવારે ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી
Maharashtra News: મહારાષ્ટ્રમાં પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરની મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસને મોટી સફળતા મળતા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા છે.
પોલીસે ગઢચિરોલીમાં વહેલી સવારે ઓપરેશન હાથ ધર્યું હતું
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે સવારે પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરનું ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે અને એન્કાઉન્ટર દરમિયાન ચાર નક્સલવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે લોકસભા ચૂંટણીમાં એક મોટું ષડયંત્ર રચવા માટે ગઢચિરોલીના જંગલોમાં એક નક્સલી જૂથ છુપાયેલું હોવાની બાતમી પોલીસને મળી હતી.
પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે લાંબા સમય સુધી અથડામણ ચાલી
આ માહિતી બાદ મહારાષ્ટ્ર પોલીસના વિશેષ C-60 કમાન્ડો અને CRPF કમાન્ડોએ જંગલ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી અથડામણ ચાલી હતી. જો કે બાદમાં પોલીસે ઘટનાસ્થળેથી ચાર નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા હતા. આ દરમિયાન પોલીસે નક્સલવાદીઓ પાસેથી એકે 47 રાઈફલ સહિત અનેક હથિયારો પણ જપ્ત કર્યા છે. માર્યા ગયેલા આ ચાર નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. હાલમાં પોલીસે આ નક્સલવાદીઓની ઓળખ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે ગઢચિરોલી મહારાષ્ટ્રનો સૌથી વધુ નક્સલ પ્રભાવિત વિસ્તાર છે.