જૂથ અથડામણ અને હિંસામાં ચાર યુવકોની કરપીણ હત્યા: મધ્ય પ્રદેશમાં હૈયુ હચમચાવે તેવા દ્રશ્યો
MP Jabalpur: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ટીમરી ગામમાં ચાર લોકોની હત્યા કરવામાં આવી છે. જેમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. ટીમરી ગામમાં બે પરિવાર વચ્ચે જુગાર રમવાની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં આ વિવાદે લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું. આજે સવારે આમાંથી જ એક પક્ષના લોકો ગામની એક દુકાને ચા પી રહ્યા હતા. આ દરમિયાન જુગાર રમવાની ના પાડતા આરોપી પરિવારે તેના પર ચપ્પુ અને લાકડીથી હુમલો કરી દીધો હતો.
જુગાર રમવાની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો
આ મામલે ASP સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે, સાહુ પરિવાર અને પાઠક પરિવારના લોકો ચા પી રહ્યા હતા. એવામાં બંને વચ્ચે વિવાદ થતા બંને પક્ષોએ તેમના પરિવારના વધુ લોકોને ત્યાં બોલાવ્યા અને હુમલામાં પાઠક અને દુબે પરિવારના 4 લોકોના મોત થયા છે. એવામાં મૃતકોના પરિવારજનો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા
પોલીસના કહેવા અનુસાર આ ઘટનામાં આશરે 25 થી 35 વર્ષની વયના યુવાનોના એક ગ્રુપ પર અન્ય પક્ષોના લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય યુવકનું નજીકની હોસ્પિટલમાં લઈ જવાના થોડા સમય બાદ જ મોત થયું હતું.
ગામમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત
આ ઘટનામાં અન્ય બે યુવક ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત હવે સારી હોવાનું કહેવાયમાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે ઘટનાની તપાસ તેમજ આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. હાલ ગામમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.