Get The App

પત્રકાર સૌમ્યા હત્યાકાંડમાં ચારને આજીવન કેદ, કુલ 12 લાખનો દંડ

Updated: Nov 26th, 2023


Google NewsGoogle News
પત્રકાર સૌમ્યા હત્યાકાંડમાં ચારને આજીવન કેદ, કુલ 12 લાખનો દંડ 1 - image


- 2008માં દિલ્હીમાં સૌમ્યાની ગોળી મારી હત્યા કરાઇ હતી

- પાંચમાં દોષિતને ત્રણ વર્ષની કેદ, જોકે 14 વર્ષની સજા ભોગવી હોવાથી છુટી જશે, દંડની રકમ પીડિતાના પરિવારને અપાશે

- હું ઇચ્છતી હતી કે આરોપીઓને આજીવન કેદ રખાય કે જેથી અમારી પીડાને તેઓ સમજી શકે : મૃતકની માતા

નવી દિલ્હી : પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યાકાંડમાં દિલ્હીની સાકેત કોર્ટે ચુકાદો આપ્યો છે. દિલ્હીની કોર્ટે પાંચેય આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. જેમાંથી ચારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે એકને ત્રણ વર્ષની કેદની સજા અપાઇ છે. ૨૦૦૮માં ટીવી પત્રકાર સૌમ્યાની હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં સજાની સાથે પ્રત્યેક આરોપીને ૧.૨૫ લાખ રૂપિયાનો દંડ પણ કરાયો છે જ્યારે એકને સવા સાત લાખનો દંડ કરાયો છે. જે બધી રકમ પીડિતાના પરિવારને અપાશે.    

દિલ્હીની સાકેત કોર્ટના એડિ. સેશન જજ રવિન્દ્ર કુમાર પાંડેએ રવી કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમારને આજીવન કેદની સાથે સવા લાખનો દંડ. 

જ્યારે પાંચમાં દોષી અજય શેઠીને ત્રણ વર્ષની કેદ અને ૭.૨૫ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે કોર્ટે નોંધ્યું હતું કે આ મામલામાં અજય શેઠી પહેલાથી જ ૧૪ વર્ષની કેદ ભોગવી ચુક્યો છે. જે પણ દંડ ફટકાર્યો છે તેની કુલ રકમ ૧૨ લાખ રૂપિયા થાય છે જે મૃતક પત્રકાર સૌમ્યાના પરિવારને આપવામાં આવશે. 

સજા સંભળાવતી વખતે જજે કહ્યું હતું કે આ મામલો રેર કેસમાં નથી આવતો તેથી દોષીઓને ફાંસીની સજા ન આપી શકાય. કોર્ટની કાર્યવાહી દરમિયાન પીડિતાની માતા માધવી વિશ્વનાથને કોર્ટને કહ્યું હતું કે હું છેલ્લા ૧૫ વર્ષની ન્યાયની રાહ જોઇ રહી છું. સૌમ્યા વિશ્વનાથન એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી રહી હતી, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ તે ઓફિસેથી ઘરે જઇ રહી હતી. આ દરમિયાન દિલ્હીના નેલ્સન મંડેલા માર્ગ પર તેના પર ગોળીબાર કરાયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે લૂંટના ઇરાદાથી આ હત્યા કરાઇ હતી. 

ચુકાદા બાદ પીડિતા સૌમ્યાની માતા માધવી વિશ્વનાથને મીડિયાને જણાવ્યું હતું કે હું કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ છું પણ ખુશ નથી. મારા પતિ હાલ બાયપાસ સર્જરીને કારણે આઇસીયુમાં છે. આ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો કરવામાં પોલીસને આશરે છ મહિનાનો સમય લાગી ગયો હતો. પોલીસે કોઇ અન્ય મામલામાં જ આ તમામ પાંચેય આરોપીની ધરપકડ કરી હતી, જેમણે બાદમાં સૌમ્યાની હત્યાનો ગુનો કબુલી લીધો હતો. 

પીડિતાની માતાએ મીડિયાને કહ્યું હતું કે હું નહોતી ઇચ્છતી કે હત્યારાઓને ફાંસીની સજા થાય, હું ઇચ્છતી હતી કે તેઓને આજીવન કેદ રાખીને એ પીડામાંથી પસાર કરવામાં આવે કે જે પીડામાંથી હું અને મારો પરિવાર પસાર થયો છે.


Google NewsGoogle News