કઠુઆ આતંકવાદી હુમલાની ઇનસાઇડ સ્ટોરી: પહેલાં ગ્રેનેડ ફેંક્યા, પછી 12 મિનિટ સુધી અંધાધુંધ ફાયરિંગ, 5 જવાન શહીદ
Kathua Terror Attack: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં લશ્કરના વાહન પર થયેલા હુમલામાં 5 જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે 6 જવાન ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદીઓએ લશ્કરના વાહન પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. તેમણે લશ્કરની ગાડી પર ગ્રેનેડ ફેંક્યો હતો. તેમા 5 જવાન શહીદ થયા.
પ્રેટ્રોલિંગ દરમિયાન સેનાના વાહન પર ભીષણ હુમલો કર્યો
હુમલાની આ ઘટના સોમવારે (8 જુલાઈ) બપોરે 3.30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે આતંકવાદીઓએ બિલવાર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં પ્રેટ્રોલિંગ દરમિયાન સેનાના વાહન પર ભીષણ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. આ પછી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હુમલા બાદ આતંકીઓ ગાઢ જંગલમાં ફરાર થઈ ગયા હતા.
છ આતંકી ઠાર
આ વિસ્તારમાં લશ્કરની વધુ ટુકડીઓ મોકલવામાં આવી છે. હાલ આસપાસની લશ્કરની બધી ચોકીઓને એલર્ટ મોડમાં રાખી દેવાઈ અને હાલમાં અથડામણ ચાલુ છે. આજનો હુમલો જમ્મુ-કાશ્મીરમાં કુલગામ જિલ્લામાં બે જુદી-જુદી અથડામણોમાં છ આતંકવાદીઓ માર્યા ગયાના એક દિવસ પછી થયો. શનિવારે શરૂ થયેલી અથડામણમાં એક પેરા ટ્રૂપર સહિત બે જવાન ઇજા પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોદરગામ એન્કાઉન્ટરવાળી જગ્યા પર 2 આતંકવાદીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. ચિન્નીગામ એન્કાઉન્ટરવાળી જગ્યા પર 6 આતંકવાદીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી હુમલા થયા છે. ગયા મહિને આતંકવાદીઓએ રિયાસી જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈને જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. બસ ખાઈમાં પડતા 9 લોકોના મોત થયા હતા.