Get The App

મહારાષ્ટ્રમાં કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, 30 ધારાસભ્ય લેશે મંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓના નામ

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, 30 ધારાસભ્ય લેશે મંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓના નામ 1 - image

Maharashtra, Cabinet Expansion : મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રની શરુઆતના એક દિવસ પહેલા 15 ડિસેમ્બરના રોજ નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. આ સ્થિતિમાં શુક્રવારે રાત્રે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહાયુતિના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણમાં લગભગ 30થી 32 ધારાસભ્યોને મંત્રી પદની શપથ લેવડાવીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ક્યા પક્ષમાંથી કેટલા મંત્રીઓ શપથ લેશે?

જેમાં ભાજપના 18-20 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના 10-12 અને NCP અજિત જૂથના 8-10 મંત્રીઓ શપથ લેશે. જો મંત્રાલયની વાત કરીએ તો ભાજપ ગૃહ વિભાગ, કાયદો અને ન્યાય, ગૃહ વિકાસ, ઉર્જા, સિંચાઈ, ગ્રામીણ વિકાસ, પ્રવાસન, મહેસૂલ, કૌશલ્ય વિકાસ, સામાન્ય વહીવટ, આદિજાતિ વિભાગને પોતાની પાસે રાખવા માંગે છે. જ્યારે શિવસેના શિંદે જૂથને શહેરી વિકાસ, આબકારી, સામાજિક ન્યાય, પર્યાવરણ, ખાણકામ, પાણી પુરવઠો, ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ, PWD વિભાગો મળી શકે છે.

શું ભાજપ ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખશે?

જ્યારે NCP અજિત જૂથને નાણાં અને આયોજન, ખાદ્ય અને પુરવઠા, FDA, કૃષિ, મહિલા અને બાળ વિકાસ, રમતગમત અને યુવા કલ્યાણ, રાહત અને પુનર્વસન વિભાગો મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ગૃહ વિભાગ પોતાની પાસે રાખી શકે છે. જ્યારે એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ આપવામાં આવી શકે છે. અજિત પવાર નાણા વિભાગની માંગણી કરી રહ્યા છે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ ગૃહની સાથે સાથે નાણાં વિભાગ પણ પોતાની પાસે રાખવા માંગે છે. આ અંગે અજિત પવાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. અને તેના બદલામાં ભાજપ અજિત પવારને ઉર્જા અથવા આવાસ વિભાગ આપી શકે છે. 

વિધાનસભાના અધ્યક્ષનું પદ કોને મળશે?

તો કેટલાક વિભાગોની અદલા-બદલી થઈ શકે છે. આ સાથે ભાજપ શહેરી વિકાસ મંત્રાલયને પોતાની પાસે રાખવા માંગે છે અને મહેસૂલ અને PWD શિવસેનાને આપવા માંગે છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સિવાય ભાજપે વિધાનસભા અધ્યક્ષનું પદ તો પોતાની પાસે રાખ્યું છે, પરંતુ વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ તે પોતાની પાસે રાખવા ઇચ્છે છે. આ સાથે અજિત પવારને વિધાનસભાના ઉપાધ્યક્ષનું પદ અને શિવસેનાને વિધાન પરિષદના ડેપ્યુટી ચેરમેનનું પદ મળશે.

ભાજપમાંથી કોણ બનશે મંત્રી?

ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન, સુધીર મુનગંટીવાર, ચંદ્રશેખર બાવનકુલે, રવીન્દ્ર ચવ્હાણ, મંગલ પ્રભાત લોઢા, રાધાકૃષ્ણ વિખે પાટીલ, શિવેન્દ્ર રાજે ભોસલે, અતુલ સાવે, પંકજા મુંડે, માધુરી મિસાલ, દેવયાની ફરાંડે, સંજય કુટે, આશિષ શેલાર, ગણેશ નાઈક મંત્રી પદના શપથ લઈ શકે છે.

આ પણ વાંચો: સોમવારે સંસદમાં 'વન નેશન વન ઈલેક્શન' બિલ રજૂ કરશે સરકાર, ચર્ચા માટે JPCમાં મોકલવાની તૈયારી

શિવસેનામાંથી કોણ બનશે મંત્રી?

ઉદય સામંત, શંભુરાજ દેસાઈ, દાદા ભૂસે, ગુલાબરાવ પાટીલ, સંજય શિરસાટ, ભરત ગોગાવલે, પ્રતાપ સરનાઈક, આશિષ જયસ્વાલ, રાજેશ ખિરસાગર, અર્જુન ખોટકર મંત્રી તરીકે શપથ લઈ શકે છે. યોગેશ કદમ, વિજય શિવતારે અને રાજેન્દ્ર યદ્રાવરકર અથવા પ્રકાશ આબિતકર રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

NCPમાંથી કોણ બનશે મંત્રી?

અજિત પવાર, સંજય બન્સોડે, છગન ભુજબળ, મકરંદ પાટીલ, અદિતિ તટકરે, નરહરિ જીરવલ, અનિલ પાટીલ, ધનંજય મુંડે મંત્રી પદના શપથ લઈ શકે છે. જ્યારે સના મલિક, ઇન્દ્રનીલ નાઇક રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે.

મંત્રીમંડળમાં વધુમાં વધુ 43 મંત્રીઓ બની શકે   

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 સભ્યો હોઈ શકે છે. 20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. મહાયુતિને 288 બેઠકોમાંથી 230 બેઠકો મળી છે. ભાજપે 132 બેઠકો, શિંદેની શિવસેનાએ 57 બેઠકો અને અજિત પવારની NCPએ 41 બેઠકો જીતી છે.

મહારાષ્ટ્રમાં કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, 30 ધારાસભ્ય લેશે મંત્રી પદના શપથ, જાણો સંભવિત મંત્રીઓના નામ 2 - image


Google NewsGoogle News