ભારતમાં લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા અમેરિકાએ ખેલ્યો હતો દાવ, અમેરિકન અધિકારીએ જ વટાણા વેરી દેતા હોબાળો
Former US State Dept official Mike Benz reveals: ભારત અને બાંગ્લાદેશ સહિત વિશ્વના ઘણાં દેશોની આંતરિક રાજનીતિમાં અમેરિકા હસ્તક્ષેપ કરી રહ્યું છે, એવો આરોપ મૂકીને અમેરિકાના જ એક પૂર્વ સરકારી અધિકારીએ સનસનાટી મચાવી દીધી છે. માઈક બેન્ઝ નામના અધિકારીએ કહ્યું છે કે, USAID, થિંક ટેન્ક અને જાયન્ટ ટેક કંપનીઓ સહિત અમેરિકાની ઘણી સંસ્થાઓ દુનિયાના અમુક નેતાઓ અને રાજકીય પાર્ટીઓને નુકસાન થાય એવા પેંતરા અજમાવતી રહી છે, અને એમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની પાર્ટી ભાજપાનો પણ સમાવેશ થાય છે.
કઈ રીતે, કેવું નુકસાન કરાતું?
માઈક બેન્ઝના કહેવા પ્રમાણે અમેરિકી સંસ્થાઓ અને સંગઠનોએ નરેન્દ્ર મોદી અને ભાજપાના હિતોની વિરુદ્ધ કામ કર્યું છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશના આંતરિક મુદ્દાઓમાં દખલ કરવા માટે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવા અને વિપક્ષોને ફંડ આપવા જેવા પેંતરા અજમાવાતા રહ્યા છે.
નરેન્દ્ર મોદી વિશે ખોટી વાતો ફેલાવ્યાનો આરોપ
માઈક બેન્ઝનું કહેવું છે કે, અમેરિકી સંસ્થાઓ સોશિયલ મીડિયા થકી ભારતના લોકોમાં એવી વાત ફેલાવતી હતી કે મોદીની રાજકીય સફળતા તેમની જૂઠાણાંથી ભરપૂર ભાષણબાજી અને ખોટી માહિતીના પ્રચારને આભારી છે. ‘એટલાન્ટિક કાઉન્સિલ’ અને ‘ગ્લોબલ એન્ગેજમેન્ટ સેન્ટર’ જેવી સંસ્થાઓએ ખોટી માહિતી અટકાવવાના બહાને મોદી તરફી પોસ્ટ, મેસેજ અને વીડિયોની પહોંચ ઘટાડવાનું પ્રપંચ કર્યું હતું.
USAID પર લગાવ્યા ગંભીર આરોપ
USAID (યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ) પર ગંભીર આરોપ લગાવતા માઈક બેન્ઝે કહ્યું હતું કે, અમેરિકન સરકારની આ એજન્સી કાઉન્ટર મિસઈન્ફોર્મેશન પ્રોગ્રામને ફંડ આપે છે. USAID દ્વારા અપાયેલું ભંડોળ ભાજપના રાષ્ટ્રવાદી અભિયાનોને દબાવવા માટે વપરાયું હતું.
કોણ છે માઈક બેન્ઝ?
ખુદ પોતાના દેશની એકથી વધુ સંસ્થાઓ પર ગંભીર આરોપ લગાવનારા માઈક બેન્ઝ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારી છે. તેમણે 2020 થી 2021 સુધી આંતરરાષ્ટ્રીય સંચાર અને માહિતી ટેક્નોલોજી માટે રાજ્યના નાયબ સહાયક સચિવ તરીકે સેવા આપી હતી. નોકરી દરમિયાન તેમણે ટેક કંપનીઓ સાથે મળીને સાયબર મુદ્દા પર અમેરિકાની નીતિ ઘડવાનું કામ કર્યું હતું. એ નોકરી કરતાં અગાઉ માઈક બેન્ઝ તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભાષણો પણ લખતા હતા. સરકારી નોકરી છોડ્યા બાદ માઈક બેન્ઝે ‘ફાઉન્ડેશન ફોર ફ્રીડમ ઓનલાઈન’ નામની એનજીઓ સ્થાપી હતી. આ સંસ્થા ડિજિટલ સેન્સરશિપ અને મીડિયા નેરેટિવનો અભ્યાસ કરીને અહેવાલો તૈયાર કરે છે.
માઈક બેન્ઝના આરોપોમાં કેટલું સત્ય હોઈ શકે?
માઈક બેન્ઝની એનજીઓ લીક થયેલા દસ્તાવેજો અને ખાનગી માહિતીના અહેવાલો પણ તૈયાર કરે છે. આ વિષયમાં તેમણે અનેક ખુલાસા કર્યા હોવાથી તેઓ વ્હિસલબ્લોઅર તરીકે સ્થાપિત થઈ ગયા છે. અહેવાલોના આધારે તેઓ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે USAID અને તેના જેવા અન્ય સંગઠનો સમગ્ર વિશ્વમાં તેમના એજન્ડાને ગુપ્ત રીતે ચલાવે છે. આ પ્રકારના કાવતરા ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ પણ દુનિયાભરની સંસ્થાઓને ભંડોળ આપીને કરતા હોવાનો આરોપ છે. જો કે, અહીં એ નોંધવું જરૂરી છે કે, લોકતાંત્રિક મૂલ્યો જાળવી રાખવા સોરોસ અમેરિકામાં પણ ફંડિંગ કરી રહ્યા છે.
તો શું ટ્રમ્પે મોદીને હરાવવાની કોશિશ કરી હતી?
માઈક બેન્ઝે નરેન્દ્ર મોદીના સંબંધે જે કંઈ કહ્યું છે એ 2019 ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં કહ્યું છે. એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તો શું ટ્રમ્પે જ મોદી વિરુદ્ધ કામ કરવાની છૂટ એ તમામ અમેરિકન સંસ્થાઓ આપી હતી? જવાબ છે, નહીં. ટ્રમ્પના સંબંધ વડાપ્રધાન મોદી સાથે હંમેશથી સારા રહ્યા છે. બેન્ઝે પોતાના દાવામાં કહ્યું છે કે, ટ્રમ્પ તો મોદીનું અહિત નહોતા ચાહતા, પણ અમેરિકાની સરકારની અંદર અમુક જૂથ હતાં જે મોદી વિરોધી ઝુંબેશ ચલાવતાં હતાં. એ જૂથ ટ્રમ્પ વહીવટીતંત્રમાં સ્વતંત્ર રીતે કાર્યરત હતાં. બેન્ઝના કહેવા મુજબ મુખ્યત્વે વિદેશ ખાતાના અધિકારીઓ મોટી ટેક કંપનીઓ સાથે મળીને સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાના કામે લાગેલા હતા. તેમનો હેતુ દુનિયાના દેશોમાં રાષ્ટ્રવાદી રાજકીય ચળવળોને મર્યાદિત કરવાનો હતો અને તેથી મોદી અને ભાજપા પણ તેમના નિશાન બન્યા હતા.
સોશિયલ મીડિયા બની ગયા પ્યાદા
માઈક બેન્ઝે કહ્યું છે કે, ‘નેરેટિવ’ બદલીને જે-તે દેશની રાજકીય ચોપાટ બદલી નાંખવાની રમતમાં અમેરિકાની સંસ્થાઓ અને જૂથોએ ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ અને ટ્વિટર જેવા મોટા-મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પોતાના પ્યાદા બનાવી દીધા છે. નરેન્દ્ર મોદી તરફી કન્ટેન્ટ રોકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ચલાવતી કંપનીઓને પ્રભાવિત કરવામાં આવી હતી. જાન્યુઆરી, 2019માં ભારતમાં વોટ્સએપ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવાની ક્ષમતાને મર્યાદિત કરી દેવાઈ હતી, એના મૂળમાં નરેન્દ્ર મોદીને મતદારો સુધી પહોંચતા રોકવાની મંશા હતી. આ એક ઈરાદાપૂર્વકનું પગલું હતું.
USAID શું છે?
USAID (યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ) એ અમેરિકાની કેન્દ્રીય સંસ્થા છે, જેનું કામ વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી, આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં મદદ પૂરી પાડવાનું છે. 1961 માં રચાયેલી આ સંસ્થાનો ઉદ્દેશ તો ઉમદા છે, પણ એના કામ ઘણીવાર વિવાદાસ્પદ રહ્યા છે, તેથી જ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તામાં આવતાની સાથે જ USAID પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ભાજપે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે સંસદમાં USAID ફંડિંગનો મુદ્દો ઉઠાવીને સરકાર સામે એવી સંસ્થાઓની તપાસ કરવાની માંગ કરી હતી જે USAID પાસેથી પૈસા મેળવતી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, USAID જેવા મોટા ભાગના સંગઠનો કોંગ્રેસ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે અને તેમના દ્વારા આપવામાં આવેલ નાણાં વડે દેશમાં અશાંતિ ફેલાવવાનું કામ કરાય છે. તેમણે દાવો કર્યો હતો કે, USAID પાસેથી ભંડોળ મેળવતી ભારતની સંસ્થાઓએ સરકારની અગ્નિવીર પહેલનો વિરોધ કર્યો હતો, તથા જાતિ આધારિત વસ્તી ગણતરીને અને નક્સલવાદને સમર્થન આપ્યું હતું.