Get The App

ભાજપ જેને ભ્રષ્ટ કહે છે તેમને પાર્ટીમાં લેવા માગે છે, તે મને પણ..' મહુઆ મોઈત્રાએ કર્યો કટાક્ષ

- મહુઆ મોઈત્રાને ગત વર્ષે 'કેશ ફોર ક્વેરી'ના આરોપમાં પોતાનું સાંસદ પદ ગુમાવવું પડ્યુ હતું

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
ભાજપ જેને ભ્રષ્ટ કહે છે તેમને પાર્ટીમાં લેવા માગે છે, તે મને પણ..' મહુઆ મોઈત્રાએ કર્યો કટાક્ષ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર

તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાએ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચવ્હાણના ભાજપમાં જોડાવા પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે, ભાજપ જે નેતાને ભ્રષ્ટ કહે છે તેમને પાર્ટીમાં લેવા માગે છે. આવી જ રીતે એક દિવસ તેઓ ઈચ્છશે કે હું પણ તેની પાર્ટીમાં સામેલ થઈ જાઉં. આ તેમનું નીચલું સ્તર છે. મહુઆ મોઈત્રાને ગત વર્ષે 'કેશ ફોર ક્વેરી'ના આરોપમાં પોતાનું સાંસદ પદ ગુમાવવું પડ્યુ હતું. તેમના પર આરોપ હતો કે, તેમણે એક બિઝનેસમેન પાસેથી પૈસાના બદલામાં સંસદમાં ગૌતમ અદાણી સાથે સંબંધિત સવાલો પૂછ્યા હતા. એટલું જ નહીં તેમણે તે બિઝનેસમેનના સ્ટાફ સાથે પોતાનું સંસદનું લોગિન આઈડી પણ શેર કર્યું હતું અને તેમના ત્યાંથી જ સવાલો અપલોડ કરવામાં આવ્યા હતા.

તેઓ ટૂંક સમયમાં મને પણ પોતાની પાર્ટીમાં લેવા માંગશે: મહુઆ મોઈત્રા

મહુઆ મોઈત્રાએ કહ્યું કે, મને લાગે છે કે રામ લલ્લાની કૃપાથી 2024ની ચૂંટણીમાં 400 બેઠકો આવી જ રહી છે તો પછી ભાજપ દરેક નેતાને પોતાના જ પક્ષમાં લાવવા માટે આટલી બેચેન કેમ છે. તે એવા નેતાઓને પણ પોતાના પક્ષમાં લાવી રહી છે જેમને એક સમયે તેમણે ભ્રષ્ટ જાહેર કર્યા હતા. જો આવું જ ચાલુ રહ્યું તો તેઓ ટૂંક સમયમાં મને પણ પોતાની પાર્ટીમાં લેવા માંગશે. મહુઆ મોઈત્રાએ ભલે પેતાનું સાંસદ પદ ગુમાવી દીધું હોય પરંતુ TMC ચીફ મમતા બેનર્જીનો તેમના પરનો વિશ્વાસ ઓછો થયો નથી. મહુઆને સમર્થન આપતાં તેમણે કહ્યું હતું કે, મહુઆને સસ્પેન્ડ કરવાથી તેમને જ ફાયદો થશે.

અશોક ચવ્હાણને આદર્શ હાઉસિંગ કૌભાંડને કારણે સીએમ પદ છોડવું પડ્યું હતું

મમતા બેનર્જીના વલણ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે, મહુઆ મોઈત્રા ફરી એકવાર કૃષ્ણનગર લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરશે જ્યાંથી તેઓ સાંસદ હતા. જે અશોક ચવ્હાણ વિશે મહુઆ મોઈત્રાએ કટાક્ષ કર્યો છે તેમણે આદર્શ હાઉસિંગ કૌભાંડને કારણે સીએમ પદ છોડવું પડ્યું હતું. અશોક ચવ્હાણને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે અને તેઓ આજે કે કાલે જ મહારાષ્ટ્રમાં ઉમેદવારી  પણ  નોંધાવી શકે છે. ભાજપ નેતૃત્વનું માનવું છે કે ચવ્હાણની ભાજપમાં એન્ટ્રીથી તેમને મરાઠવાડામાં પોતાની પકડ મજબૂત કરવામાં મદદ મળશે.


Google NewsGoogle News