1300થી વધુ વિકેટ ઝડપનાર દિગ્ગજ બોલરનો પ્લાન, જમ્મુ-કાશ્મીરમાં કરશે 1642 કરોડ રૂપિયાનું રોકાણ
Image Twitter |
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર હાલમાં મોટા રોકાણનું કેન્દ્ર બની ગયું છે. જમ્મુ- કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ પૂર્વ શ્રીલંકન ક્રિકેટર મુથૈયા મુરલીધરન પણ જમ્મુ અને કાશ્મીર સરકારની નવી ઔદ્યોગિક નીતિથી પ્રભાવિત જણાય છે. તેમને કઠુઆના ભગથલી વિસ્તારમાં સોફ્ટ ડ્રિંક કંપની માટે લગભગ 25 એકર (205 કનાલ) જમીન ફાળવવામાં આવી છે. આ અગાઉ મુરલીધરનને કર્ણાટકમાં મુથૈયા બેવરેજિસ એન્ડ કન્ફેક્શનર્સનો પ્લાન્ટ સ્થાપવા તેમની કંપનીને જમીન ફાળવવામાં આવી છે.
મુરલીધરને અહીં પ્લાન્ટ ઉભો કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1642 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. તમને જણાવી દઈએ કે નવી ઔદ્યોગિક નીતિને કારણે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લો ઔદ્યોગિક હબ બનવા જઈ રહ્યું છે. જેના પરિણામે અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે.
ઓનલાઈન જમીન ફાળવવામાં આવી
પૂર્વ ક્રિકેટર મુરલીધરને જમ્મુ-કાશ્મીરમાં જમીન ફાળવણી માટે જાન્યુઆરીમાં ઓનલાઈન અરજી કરી હતી. આ દરખાસ્ત મંજૂર થયા બાદ તેઓ 3 મહિનામાં ઘણીવાર જમીન જોવા માટે આવ્યા હતા. પંજાબ બોર્ડર પાસે આવેલ ભાગથલી ગામ ઔદ્યોગિક વિસ્તાર તરીકે વિકસિત થઈ રહ્યો છે. જ્યાં રસ ધરાવતા અનેક લોકો હવે કાશ્મીરમાં રોકાણ કરી રહ્યા છે.
નવા ઔદ્યોગિક વિસ્તારમાં જમીન ફાળવાઈ
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુથૈયા મુરલીધરન કઠુઆમાં 1642 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. નવા ઔદ્યોગિક વિસ્તારમાં તેમને જમીન ફાળવી દેવામાં આવી છે તેમજ તેની ડીડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ હવે પ્લાન્ટની નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. આશરે ત્રણ મહિના પહેલા અહીં રોકાણ કરવા સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવવા પહોંચ્યા હતા. આ સાથે તેઓ સરકારની ઔદ્યોગિક નીતિથી ખૂબ પ્રભાવિત થયા હતા.
લાખોને મળશે રોજગારી
જમ્મુ-કાશ્મીરમાં કંપનીઓના રોકાણથી 5 લાખથી વધુ લોકોને રોજગાર મળશે. એક રિપોર્ટ પ્રમાણે સરકારને જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગમાં 1902 અરજીઓ મળી છે, અને તેમાથી મોટાભાગની અરજીઓ કઠુઆ જિલ્લા માટે મળી છે, કારણ કે આ જિલ્લો પંજાબ અને હિમાચલ સાથે જોડાયેલો છે. તો કાશ્મીર વિભાગમાં 5000 થી વધુ અરજીઓ મળી છે. તેમાથી મોટાભાગની અરજીઓ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો દ્વારા કરવામાં આવી છે.