કોલકાતા દુષ્કર્મ કેસ: લાવારિસ મૃતદેહોને વેચવાના રેકેટમાં સામેલ હતો પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
કોલકાતા દુષ્કર્મ કેસ: લાવારિસ મૃતદેહોને વેચવાના રેકેટમાં સામેલ હતો પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ 1 - image


Image Source: Twitter

Former Principal Sandip Ghosh: કોલકાતાની આર. જી. કર મેડિકલ હૉસ્પિટલમાં થયેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ તપાસના દાયરામાં આવેલા પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ  વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. CBI સતત તેની પૂછપરછ કરી રહી છે, ત્યારે આર. જી. કર મેડિકલ કૉલેજના પૂર્વ અધિકારી અખ્તર અલીએ દાવો કર્યો છે કે, સંદીપ ઘોષ લાવારિસ મૃતદેહોને વેચવા સહિત અનેક ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હતો. આ ઉપરાંત તે બાંગ્લાદેશમાં બાયોમેડિકલ વેસ્ટ અને મેડિકલ સાધનોની તસ્કરી પણ કરતો હતો. 

અખ્તર અલી 2023 સુધી આર જી કર હૉસ્પિટલમાં જ નિયુક્ત હતા. તેમણે કહ્યું કે, રાજ્ય તકેદારી આયોગ સમક્ષ આ અંગે ફરિયાદ પણ કરાઈ હતી, પરંતુ તપાસમાં દોષી સાબિત થવા છતાં પણ પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. 

ફરિયાદ કરી તો ટ્રાન્સફર કરી દીધું

અખ્તર અલીએ દાવો કર્યો કે, મેં ડૉ. સંદીપ ઘોષ વિરુદ્ધ રાજ્ય આરોગ્ય વિભાગને એક તપાસ રિપોર્ટ પણ મોકલ્યો હતો, પરંતુ ત્યારબાદ મારી આર જી કર હૉસ્પિટલમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જે દિવસે મેં તપાસ રિપોર્ટ સોંપ્યો એ જ દિવસે મારું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. મારી સાથે જ તપાસ સમિતિના અન્ય બે સદસ્યોની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ માણસથી બચાવવા મેં મારાથી બનતું બધું જ કર્યું, પરંતુ હું નિષ્ફળ રહ્યો. 

તમને જણાવી દઈએ કે, ડૉક્ટરની હત્યાના વિરોધ વચ્ચે રાજીનામું આપનાર સંદીપ ઘોષને રાજીનામું આપ્યાના થોડા જ કલાકોમાં કોલકાતામેડિકલ કૉલેજમાં નવી નિમણૂક આપવામાં આવી હતી. જો કે, કોલકાતાહાઇકોર્ટે આ અંગે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને સંદીપ ઘોષને અનિશ્ચિત રજા પર મોકલી દીધા હતા.

વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે માગતો હતો લાંચ

અલીએ દાવો કર્યો કે, ઘોષ મેડિકલ સ્ટુડન્ટ્સને પાસ કરાવા માટે લાંચ માગતો હતો. કૉલેજમાં કેટલાક વિદ્યાર્થીઓને જાણી જોઈને ફેલ કરી દેવામાં આવતા હતા. જેથી તે પૈસા વસૂલી શકે. અલીએ આરોપ લગાવ્યો કે, સંદીપ ઘોષનું દરેક જગ્યાએ કમિશન નક્કી જ હતું. 

અત્યાર સુધી 64 કલાકની પૂછપરછ

તમને જણાવી દઈએ કે, સંદીપ ઘોષ ચારેય બાજુથી ઘેરાયો છે. CBIની ટીમે બુધવારે સતત છઠ્ઠા દિવસે પણ ઘોષની પૂછપરછ કરી છે. અત્યાર સુધીમાં ઘોષની 64 કલાક પૂછપરછ કરવામાં આવી છે. 


Google NewsGoogle News