કંગનાએ પંજાબમાં ‘ઈમર્જન્સી’ રિલીઝ થવા દેવી હોય તો આ શરત માને, પૂર્વ મુખ્યમંત્રીની ચેતવણી
Kangana Ranaut Movie Emergency : બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત છેલ્લા ઘણા દિવસોથી વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં છે, ત્યારે હવે તેની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પણ વિવાદમાં આવી ગઈ છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું છે કે, જો ફિલ્મની રિલિઝ થવા દેવી હોય તો પહેલા SGPC પાસે મંજૂરી લેવી પડશે.
SGPCનું સર્ટિફિકેટ મળે પછી જ ફિલ્મ રિલિઝ કરો: ચન્ની
પંજબના પૂર્વ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘જ્યાં સુધી કંગના રનૌતની ફિલ્મ ઈમર્જન્સીને એસજીપીસી એટલે કે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટિ દ્વારા મંજૂર ન મળે, ત્યાં સુધી રિલિઝ થવા નહીં દેવાય. ફિલ્મમાં શિખ ઈતિહાસ વિશે કંઈપણ દેખાડવામાં આવી રહ્યું છે, તેથી રિલિઝ માટે એસજીપીસીની મંજૂરી લેવી જરૂરી છે. ફિલ્મ નિર્માતા અને કંગના રનૌતને સલાહ છે કે, તેઓ એસજીપીસી પાસે યોગ્ય સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ફિલ્મ રિલિઝ કરે.’
ચન્નીની કંગનાને સલાહ
તેમણે એમ પણ કહ્યું કે, પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં સાંપ્રદાયિક ભાઈચારો ખૂબ જ મહત્વનો અને તેને જાળવી રાખવો જરૂરી છે. તેમણે ફિલ્મ અંગે કંગનાને સલાહ આપી છે કે, તેઓ કોઈપણ વિવાદીત બાબતો પર ગંભીરતાથી ધ્યાન આપે. પંજાબનો ઈતિહાસ હિન્દુ, મુસ્લિમ, શિખ અને ઈસાઈ સમુદાય વચ્ચે પ્રેમ અને શાંતિનો છે અને અહીં રમખાણોની કોઈપણ ઘટના બની નથી.
ફિલ્મ પહેલેથી જ વિવાદમાં
કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ પહેલેથી જ વિવાદમાં આવી ગઈ છે. ફિલ્મના નામ અને ચિત્ર પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના ઈમરર્જન્સી શાસનને દેખાડાયો છે. ફિલ્મ રિલિઝ થાય તે પહેલા તેની સામે એફઆઈઆર નોંધવાની માંગ ઉઠી હતી. આ ઉપરાંત પંજાબના એસજીપીસી અને અકાલ તખ્તે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો : શિવાજીની મૂર્તિ તૂટવા મુદ્દે રાજકારણ ગરમાયું, ઉદ્ધવ-શરદ પવારનો રસ્તા પર ઉતરીને આક્રમક વિરોધ
કંગનાને જાનથી મારવાની ધમકી
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રિલીઝ પહેલા કંગનાને જાનથી મારવાની ધમકી મળી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ધમકીઓ છતાં કંગનાએ કહ્યું હતું કે, હું આવી ધમકીઓથી ડરતી નથી અને પોતાની ફિલ્મની રિલીઝ કરવા માટે તટસ્થ છે. હવે જોવાનું એ રહે છે કે, આ ફિલ્મને સેન્સર બોર્ડની મંજૂરી મળે છે કે નહીં અને તેની રિલીઝ પર શું અસર પડે છે.