પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ એવા વ્યક્તિ હતા જેમણે દેશની આર્થિક કિસ્મત બદલી નાખી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
કેન્દ્ર સરકારે આ વર્ષે જે લોકોને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો તેમાં કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ પણ છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન તરીકે એટલા માટે હંમેશા યાદ રાખવામાં આવશે કેમકે તેમણે 90ના દાયકાના મધ્યમાં દેશમાં આર્થિક ઉદારીકરણની નીતિઓ લાગુ કરી, જે બાદ દેશ આર્થિક શક્તિ બનવાના માર્ગ પર ચાલ્યો અને દિવસેને દિવસે મજબૂત પણ થતો ગયો.
પીવી નરસિમ્હા રાવ, 20 જૂન 1991એ દેશના વડાપ્રધાન બન્યા. PM બન્યાના એક વર્ષ પહેલા તેમણે પોતાનું રાજકીય કરિયર ખતમ થઈ ગયુ હોવાનું માની લીધુ હતુ. એટલે સુધી કે દિલ્હીથી પોતાનો સામાન પણ એકઠો કરી લીધો હતો. પોતાની પુસ્તકો, મનગમતુ કોમ્પ્યુટર અને અન્ય વસ્તુઓ હૈદરાબાદમાં પોતાના પુત્રના ઘરે મોકલાવી દીધી હતી. ત્યાં સુધી કે તેમણે એ પણ આયોજન કરી દીધુ હતુ કે તેઓ રાજકારણ છોડ્યા બાદ આગળ શું કરવાના છે. નરસિમ્હા રાવે તમિલનાડુની એક મોનેસ્ટ્રીને પત્ર લખીને કહ્યુ હતુ કે રાજકારણ છોડ્યા બાદ તેઓ મોનેસ્ટ્રી જોઈન કરવા માંગે છે. તેમને પહેલા પણ ઓફર મળી હતી પરંતુ ત્યારે ઠુકરાવી દીધી હતી.
તો આખરે પીવી નરસિમ્હા રાવની કિસ્મત કેવી રીતે બદલાઈ. કેવી રીતે પહેલા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને પછી વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચ્યા. 1990માં રાજકીય કોરિડોરમાં એક ચર્ચા જોર-શોરથી ચાલી. તે ચર્ચા એ હતી કે રાજીવ ગાંધીએ નક્કી કરી લીધુ છે કે જો આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં પાર્ટી જીતી તો કેબિનેટમાં યુવા ચહેરાને તક આપશે.
વિનય સીતાપતિ પોતાના પુસ્તક 'ધ મેન હૂ રીમેડ ઈન્ડિયા: અ બાયોગ્રાફી ઓફ પીવી નરસિમ્હા રાવ' (The Man Who Remade India) માં લખે છે કે આ પ્રકારની વાત રાવ સુધી પણ પહોંચી. તે સતત આઠ ચૂંટણી જીતી ચૂક્યા હતા પરંતુ હવે 69 વર્ષની ઉંમરમાં કોઈની સામે ઝૂકવા તૈયાર નહોતા. આ બધુ જોતા તેમણે પોતે રાજકારણમાંથી સંન્યાસ લેવાનું નક્કી કરી લીધુ અને તૈયારી શરૂ કરી દીધી.
એક ઘટનાએ નસીબ બદલી નાખ્યુ
રાવ સંન્યાસ લેવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ 21 મે 1991, ની એક ઘટનાએ બધુ જ બદલી નાખ્યુ. તમિલનાડુમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવાઈ અને આ દુર્ઘટનાએ પીવી નરસિમ્હા રાવના રાજકારણને એક નવા વળાંક પર ઊભી કરી દીધી. નરસિમ્હા રાવને જ્યારે રાજીવ ગાંધીની હત્યાના સમાચાર મળ્યા તો તે 10 જનપથ પહોંચ્યા. ત્યાં પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રણવ મુખર્જી પહેલેથી હાજર હતા.
જૂનો બોધપાઠ યાદ હતો
મુખર્જી, રાવને એક ખૂણામાં લઈ ગયા અને કહ્યુ કે પાર્ટીમાં સામાન્ય સંમતિ છે અને સૌ ઈચ્છે છે કે તમે આગામી અધ્યક્ષ બનો. સીતાપતિ લખે છે કે રાવ આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયા પરંતુ તે વખતે પોતાની ખુશી વ્યક્ત થવા દીધી નહીં.
નરસિમ્હા રાવનું સચેત થવુ સ્વાભાવિક પણ હતુ કેમ કે તેમને પોતે પ્રણબ મુખર્જીનો કિસ્સો યાદ હતો. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ પ્રણવ મુખર્જીએ પોતાને તેમની ખુરશીના ઉત્તરાધિકારી તરીકે રજૂ કર્યા અને તેમને તેનું પરિણામ ભોગવવુ પડ્યુ.
કેવી રીતે પહેલા અધ્યક્ષ અને પછી PM બન્યા?
રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં ઘણા કદાવર નેતા હતા. અર્જુન સિંહ, એનડી તિવારી, શરદ પવાર અને માધવ રાવ સિંધિયા. શરદ પવાર રેસમાં સૌથી આગળ હતા પરંતુ થોડા સમય પહેલા તેઓ પાર્ટીને દગો આપી ચૂક્યા હતા. અર્જુન સિંહ અને માધવ રાવ સિંધિયાના નામ આવ્યુ તો પાર્ટીના એક વર્ગે તેને ફગાવ્યા. પછી એનડી તિવારીનું નામ આવ્યુ પરંતુ તિવારીની રાજીવ ગાંધી સાથે તકરાર થઈ ગઈ હતી. રાજીવ ગાંધીએ ના પાડી છતાં તેઓ લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા. આ વાત તેમના વિરુદ્ધ ગઈ.
વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહના સલાહકાર રહી ચૂકેલા સંજય બારુએ લખ્યુ હતુ કે નરસિમ્હા રાવ તત્કાલીન રાષ્ટ્રપતિ આર.વેંકટરણની પસંદ હતા. સાથે જ તેમને કેરળના કદાવર નેતા કે.કરુણાકરણ અને ઘણા સાંસદોનો સાથ પણ મળ્યો. પહેલા તેઓ 29 મે 1991એ કોંગ્રેસના અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા. આગામી મહિને લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ 232 બેઠકો સાથે વાપસી કરી અને સૌથી અનુભવી નેતા હોવાના કારણે નરસિમ્હા રાવ વડાપ્રધાન બન્યા.