હિન્દુ ધર્મમાં આ પાપ સમાન....: તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ પર પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની પ્રતિક્રિયા
Ram Nath Kovind on Tirupati Temple Prasad Controversy: તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને ચાલી રહેલા તાજેતરના વિવાદ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રસાદમાં ભેળસેળને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. તેમણે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ હિંદુઓમાં પ્રસાદ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે તેમાં શંકા ઉત્પન્ન થઈ ગઈ છે.
પૂર્વ રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હું બનારસમાં રહેતા છતાં બાબા વિશ્વનાથના દર્શન કરવા ન જઈ શક્યો. પરંતુ મારા કેટલાક સાથીઓ દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી આવીને તેમણે મને બાબાનો પ્રસાદ આપ્યો, તે પ્રસાદ મારા હાથમાં આવતા જ મને અચાનક તિરુપતિ મંદિરનો પ્રસાદ યાદ આવ્યો. હું એકલો જ નથી જેની પ્રસાદમાં અતૂટ શ્રદ્ધા છે. પરંતુ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે તે હિંદુ શાસ્ત્રોમાં પાપ સમાન છે.
તમને જણાવી દઈએ કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ આ મામલે સીએમ ચંદ્રાબાબુ નાયડુ સાથે વાત કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આ મામલામાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રસાદ બનાવવામાં ફિશ ઓઈલનો પણ થતો હતો ઉપયોગ
તાજેતરમાં જ આવેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તિરુપતિ મંદિરમાં પ્રસાદ બનાવતી વખતે બીફ ફેટ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ખુલાસો તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ અંગે આવેલા રિપોર્ટમાં થયો છે.
ખાસ વાત એ છે કે આ મામલે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે, અગાઉની સરકારના સમયમાં તિરુપતિ મંદિરના પ્રસાદ બનાવવામાં ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ આરોપોને ધ્યાનમાં રાખીને મંદિરમાંથી પ્રસાદના નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. હવે આ તપાસનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો થયો છે.
પૂર્વ CMએ કર્યો હતો પલટવાર
નાયડુના આરોપોનો જવાબ આપતા જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPએ કહ્યું હતું કે, ચંદ્રાબાબુ નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને જે નિવેદન આપ્યું છે તે ખૂબ જ વાહિયાત છે. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો આરોપ લગાવતા પહેલા વિચાર કરે છે. તેમના આ નિવેદનથી એ સાબિત થઈ ગયું છે કે, નાયડુ રાજનીતિમાં કંઈ પણ પાછળ નહીં હટશે.