રાજઘાટ પર બનશે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક, દીકરી શર્મિષ્ઠાએ આપી માહિતી
Image- 'X' |
Pranab Mukherjee Memorial : કેન્દ્ર સરકારે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. સરકારે સ્મારક બનાવવા માટે રાષ્ટ્રીય સ્મૃતિ ખાતે જગ્યા આપવાની મંજૂર આપી દીધી છે. પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. શર્મિષ્ઠા મુખર્જીએ 'X' પર લખ્યું કે, બાબાનું સ્મારક બનાવવાના નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારનો હૃદયપૂર્વક આભાર. આ વધુ મહત્નુંત્વ છે કારણ કે અમે તે માટે પૂછ્યું પણ નથી. વડાપ્રધાનના આ અણધાર્યા અને ઉદાર પગલાથી હું અત્યંત પ્રભાવિત થઇ છું.
પીએમ મોદીનો આભાર માન્યો શર્મિષ્ઠા મુખર્જીએ
શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું હતું કે, 'અમે આની માંગણી પણ કરી ન હતી પરંતુ તેમ છતાં આ નિર્ણય લેવામાં આવ્યો. હું વડાપ્રધાનના આ અણધાર્યા પરંતુ દયાળુ ભાવથી ખૂબ જ અભિભૂત છું. બાબા હંમેશા કહેતા હતા કે રાજ્ય સન્માન માંગવું ન જોઈએ, પરંતુ મળવું જોઈએ. હું ખૂબ આભારી છું કે પીએમ મોદીએ બાબાની યાદમાં આ કર્યું.'
કોગ્રેસ પર સાધ્યું નિશાન
તાજેતરમાં શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એ પ્રસ્તાવની ટીકા કરી હતી કે જેમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાની માંગ કરવામાં આવી હતી. ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાનના સ્મારક માટે દિલ્હીમાં જમીન ફાળવવાની માંગ કરી હતી. શર્મિષ્ઠા મુખર્જીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, જ્યારે ઓગસ્ટ 2020માં મારા પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું અવસાન થયું હતું. ત્યારે કોંગ્રેસ નેતૃત્ત્વએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) દ્વારા શોકસભા બોલાવવાની તસ્દી પણ લીધી ન હતી.
રાહુલે પીએમ મોદીને કેમ ગળે લગાવ્યા?
શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પિતાએ જયારે RSS હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી ત્યારે તેમને 'સંઘી' કહેવા બદલ રાહુલ ગાંધીના સમર્થકોની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ લખ્યું કે, 'રાહુલના ભક્તો RSS હેડક્વાર્ટરની મુલાકાત માટે મારા પિતાને 'સંઘી' કહે છે, હું તેમને પડકાર આપું છું કે તેઓ તેમના નેતાને પૂછે કે તેમણે(રાહુલ) સંસદમાં પીએમ મોદીને કેમ ગળે લગાવ્યા? કે જેમને તેમની માતાએ 'મોતનો સૌદગાર' કહ્યું હતું.'
રાજઘાટ સંકુલની બાજુ બનશે સ્મારક
કેન્દ્ર સરકારના શહેરી અને આવાસ મંત્રાલયે તેના આદેશમાં લખ્યું છે કે, 'સક્ષમ અધિકારીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે 'રાષ્ટ્રીય સ્મૃતિ' સંકુલ (રાજઘાટ સંકુલનો એક ભાગ) ની અંદર નિયત સ્થળને મંજૂરી આપી દીધી છે.'