શનિવારે રાજકીય સન્માન સાથે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, અપાશે 21 તોપોની સલામી
Manmohan Singh Funeral : દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગઈકાલે (26 ડિસેમ્બર) 92 વર્ષની વયે નિધન થયું છે. મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહને શુક્રવારે તેમના નિવાસસ્થાન 3, મોતીલાલ નહેરુ રોડ, નવી દિલ્હી ખાતે રખાયો છે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કિસી વેણુગોપાલે કહ્યું છે કે, તેમના પાર્થિવ દેહને 28 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે કોંગ્રેસ હેડક્વાર્ટર (AICC) લઈ જવાશે. સવારે 8:30થી 9:30 સુધી કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય જનતા તેમના અંતિમ દર્શન કરી શકશે.
દિવંગત મનમોહન સિંહની આવતીકાલે અંતિમ યાત્રા
વેણુગોપાલે કહ્યું કે, ત્યારબાદ તેમની અંતિમ યાત્રા સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલયથી સ્મશાન તરફ રવાના થશે. હાલમાં પૂર્વ વડાપ્રધાનના ઘરે અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી રહી છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે, કારણ કે તેમની એક પુત્રી અમેરિકાથી આવી રહી છે અને તેમની રાહ જોવાઈ રહી છે.
દેશમાં શોકની લહેર
તેમના નિધનથી દેશમાં શોકની લહેર છે. ડૉ. મનમોહન સિંહના નિધનથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનથી લઈને વિપક્ષના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેમના અંતિમ સંસ્કાર શનિવારે (28મી ડિસેમ્બર) કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે શુક્રવારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક ઠરાવ પસાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેમણે રાષ્ટ્રીય જીવન પર તેમની છાપ છોડી દીધી છે અને તેમના નિધનથી દેશે એક પ્રતિષ્ઠિત રાજકારણી, જાણીતા અર્થશાસ્ત્રી ગુમાવ્યા છે.
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર ક્યાં થશે?
સૂત્રોના જણાવ્યાનુસાર, ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ કરાશે. કોંગ્રેસ અટલ બિહારી વાજપેયીની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે જગ્યાની માંગ કરશે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. હાલ તેમના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે.
રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
મળતા અહેવાલો મુજબ, દિવંગત મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે અને રાજ્યના અંતિમ સંસ્કારના દિવસે તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવશે. ભારતમાં આર્થિક ક્રાંતિ લાવનાર સિંહનું ગુરુવારે નવી દિલ્હીના એઈમ્સમાં અવસાન થયું હતું, તેઓ 92 વર્ષના હતા. સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા.
આ પણ વાંચો : મનમોહન સિંહ જ એવા એકમાત્ર વડાપ્રધાન છે જેમના ચલણી નોટ પર છે હસ્તાક્ષર, જાણો કારણ